27
1
બીજે દિવસે વહેલી સવારે બધા જ મુખ્ય યાજકો અને યહૂદી વડીલોએ ઈસુને મારી નાખવા માટે રોમનોને કેવી રીતે મનાવવા તે નક્કી કર્યું.
2
પછી તેઓએ તેમના હાથ બાંધ્યા અને તેમને પિલાત, જે રોમન રાજ્યપાલ હતો તેની પાસે લઇ ગયા.
3
પછી યહૂદા, કે જેણે ઈસુ સાથે વિશ્વાસઘાત કર્યો હતો, તેને ખ્યાલ આવ્યો કે તેઓએ નક્કી કર્યું હતું કે ઈસુએ મરણ પામવું જ જોઈએ. તેથી તેણે જે કર્યું હતું તે વિષે તે ખેદિત થયો. તે ત્રીસ સિક્કા તે મુખ્ય યાજકો અને વડીલો પાસે પાછો લઇ ગયો.
4
તેણે કહ્યું, "મેં પાપ કર્યું છે. મેં જે માણસ નિર્દોષ છે તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે." તેઓએ ઉત્તર આપ્યો, "અમારે માટે તેનો કંઈ અર્થ નથી! તે તારો પ્રશ્ન છે!"
5
તેથી યહૂદાએ તે નાણાં લીધા અને તેને ભક્તિસ્થાનના આંગણામાં નાખી દીધાં. પછી તે ગયો અને પોતાને લટકાવી દીધો.
6
પ્રમુખ યાજકે તે નાણાં લીધાં અને કહ્યું, "આ તે નાણાં છે કે અમે માણસને મારવા માટે ચૂકવ્યાં, અને અમારો નિયમ અમને તે નાણાં ભક્તિસ્થાનના ભંડારમાં મૂકવા મંજૂરી આપતો નથી."
7
તેથી તેઓએ તે નાણાંનો ઉપયોગ એક ખેતર ખરીદવા માટે કર્યો કે જે કુંભારનું ખેતર કહેવાતું હતું. તે ખેતરને તેમણે એવું સ્થળ બનાવ્યુ કે જ્યાં તેઓ યરુશાલેમમાં જેઓ અજાણ્યા હોય તેમને દફનાવે.
8
તેથી તે સ્થળ હજુ પણ "લોહીનું ખેતર" કહેવાય છે.
9
તે ખેતર ખરીદવા દ્વારા, યર્મિયા પ્રબોધકે ઘણા સમય અગાઉ જે લખ્યું હતું તેને તેઓએ સત્ય ઠરાવ્યું: "તેમણે ચાંદીના ત્રીસ સિક્કા લીધા કે જે તેમને માટે ઇઝરાયલના આગેવાનોએ જે કિંમત નક્કી કરી તે એ હતી
10
અને તે નાણાંથી તેમણે કુંભારનું ખેતર ખરીદ્યું. પ્રભુએ મને જે આદેશ આપ્યો હતો તે પ્રમાણે તેમણે કર્યું."
11
પછી ઈસુ રાજ્યપાલની સામે ઊભા રહ્યા. રાજ્યપાલે તેમને પૂછ્યું, "શું તું કહે છે કે તું યહૂદીઓનો રાજા છે?" ઈસુએ ઉત્તર આપ્યો, "હા, તેં જે પ્રમાણે કહ્યું તે તેમ જ છે."
12
પરંતુ જ્યારે મુખ્ય યાજકો અને વડીલોએ ઈસુ પર ઘણી ખોટી બાબતો કરવાનો આરોપ મૂક્યો, ત્યારે તેમણે ઉત્તર ન આપ્યો.
13
તેથી પિલાતે તેમને કહ્યું, "તું સાંભળે છે કે તેઓ તારા પર કેટલી બધી બાબતો વિષે આરોપો મૂકે છે; શું તું ઉત્તર નહિ આપે?"
14
પરંતુ ઈસુએ કંઈ પણ કહ્યું નહિ. તેમણે જે બાબતો કે જેના વિષે તેઓ તેમના પર આરોપો મૂકતા હતા તે વિષે કંઈ જ ઉત્તર આપ્યો નહિ. તેના પરિણામે, તે રાજ્યપાલ ઘણું જ આશ્ચય પામ્યો.
15
હવે રાજ્યપાલનો એવો રિવાજ હતો કે દર વર્ષે પાસ્ખાપર્વની ઉજવણી દરમિયાન એક વ્યક્તિ કે જે જેલમાં હોય તેને મુક્ત કરવો. લોકો ઇચ્છે તેવા કોઇપણ કેદીને તે મુક્ત કરતો.
16
તે સમયે યરુશાલેમમાં એક પ્રખ્યાત કેદી હતો જેનું નામ બારાબાસ હતું.
17
તેથી જ્યારે ટોળું એકઠું થયું, ત્યારે પિલાતે તેઓને પૂછ્યું, "તમારા માટે હું કયા કેદીને મુક્ત કરું: બારાબાસને કે ઈસુ, જેને તેઓ મસીહ કહે છે તેને?"
18
તેણે તે પ્રશ્ન પૂછ્યો કારણ કે તેને ખ્યાલ આવ્યો કે મુખ્ય યાજકોને ઈસુની અદેખાઈ આવતી હતી માટે તેઓ ઈસુને તેની પાસે લાવ્યા હતા. અને પિલાતે વિચાર્યું કે ટોળું એવું પસંદ કરશે કે તે ઈસુને મુક્ત કરે.
19
જ્યારે પિલાત ન્યાયાધીશની બેઠક પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને આ સંદેશ મોકલ્યો: "આજે વહેલી સવારે તે વ્યક્તિના કારણે મને ખરાબ સ્વપ્ન આવ્યું હતું. તેથી તે ન્યાયી વ્યક્તિને દોષિત ઠરાવીશ નહિ!"
20
પરંતુ મુખ્ય યાજકો અને વડીલોએ ટોળાને સમજાવ્યું કે તેઓ પિલાતને બારાબાસને મુક્ત કરવા અને ઈસુને મારી નાખવાનો હુકમ આપવા માટે કહે.
21
તેથી જ્યારે રાજ્યપાલે તેઓને પૂછ્યું, "બેમાંથી જે વ્યક્તિને હું તમારા માટે મુક્ત કરું તે વિષે તમે શું ઇચ્છો છો?" તેઓએ ઉત્તર આપ્યો, "બારાબાસને!"
22
પિલાતે તેઓને પૂછ્યું, "તો ઈસુ કે જેઓને તમારામાંના કેટલાંક મસીહ કહે છે તેને હું શું કરું?" તે બધાએ જવાબ આપ્યો, "હુકમ આપ કે તારા સૈનિકો તેને વધસ્તંભે જડાવે!"
23
પિલાતે ઉત્તર આપ્યો, "શા માટે? તેમણે શો ગુનો કર્યો છે?" પરંતુ તેઓએ હજુ મોટેથી બૂમો પાડી, "તેને વધસ્તંભે જડાવો!"
24
પિલાતને લાગ્યું કે તે કંઈ પણ ઉકેલ લાવી શકતો ન હતો. તેનાથી ઊલટું તેણે જોયું કે લોકો હુલ્લડ કરવાની શરૂઆત કરી રહ્યા હતા. તેથી તેણે પાણીની કથરોટ લીધી અને ટોળાની નજર સામે પોતાના હાથ ધોયા. તેણે કહ્યું, "મારા હાથ ધોવા દ્વારા હું દર્શાવી રહ્યો છું કે જો તે વ્યક્તિ મરણ પામે, તો તે તમારો વાંક છે, મારો નહિ!"
25
અને બધા જ લોકોએ જવાબ આપ્યો, "તેના મરણ માટે અમે, અને અમારાં બાળકો પણ, અપરાધી ઠરો!"
26
પછી તેણે તેના સૈનિકોને લોકો માટે બારાબાસને મુક્ત કરવા માટે હુકમ આપ્યો. પરંતુ તેણે હુકમ આપ્યો કે તેના સૈનિકો ઈસુને કોરડા મારે. અને પછી તેણે ઈસુને સૈનિકોને સોંપી દીધા કે જેથી તેઓ ઈસુને વધસ્તંભે જડે.
27
પછી રાજ્યપાલના સૈનિકો ઈસુને સૈનિક છાવણીમાં લઇ ગયા. આખુ સૈન્યદળ તેમની આસપાસ એકઠું થયું.
28
તેઓએ તેમના વસ્ત્રો ખેંચી કાઢ્યા, અને તેઓ રાજા હોય તેવો ડોળ કર્યો, અને તેમને લાલ તેજસ્વી લાંબો ઝભ્ભો પહેરાવ્યો.
29
તેઓએ કાંટા સહિત કેટલીક ડાળીઓ લીધી અને મુગટ બનાવવા માટે તેમને ગૂંથીને તેને તેમના માથા પર મૂકી. તેઓએ તેમના જમણા હાથમાં જેમ રાજા પોતાનો રાજદંડ પકડે છે તેવી લાકડી મૂકી. પછી તેઓ તેમની આગળ ઘૂંટણે નમ્યા અને તેમની મશ્કરી કરતા, કહ્યું, "યહૂદીઓના રાજાને સલામ!"
30
તેઓ તેમના પર થૂંકતા રહ્યા. તેઓએ સોટી લીધી અને તેના વડે તેમના માથા પર મારતા રહ્યા.
31
જ્યારે તેઓએ તેમની મશ્કરી કરવાનું પૂરું કર્યું, ત્યારે તેઓએ તેમનો લાંબો ઝભ્ભો ઉતારી લીધો અને તેમના પોતાના વસ્ત્રો પહેરાવ્યા. પછી તેઓ તેમને જે સ્થળે વધસ્તંભે જડવાના હતા ત્યાં લઇ ગયા.
32
ઈસુએ તેમનો વધસ્તંભ થોડા અંતર માટે ઊંચક્યા પછી, સૈનિકોએ સિમોન નામના માણસને જોયો, કે જે કુરેની શહેરનો હતો. તેઓએ તેને ઈસુ માટે વધસ્તંભ ઊંચકવા ફરજ પાડી.
33
તેઓ ગલગથા નામની એક જગ્યા પાસે આવ્યા. તે નામનો અર્થ "ખોપરીની જગ્યા" એવો થાય છે.
34
જ્યારે તેઓ ત્યાં ગયા, ત્યારે તેઓએ દ્રાક્ષારસ સાથે કંઇક જે ખૂબ કડવું લાગે તે ભેળવ્યું. તેઓએ ઈસુને તે પીવા માટે આપ્યું કે જેથી તેઓ જ્યારે તેમને વધસ્તંભે જડે ત્યારે તેઓ ખૂબ પીડા અનુભવે નહિ. પરંતુ જ્યારે તેમણે તે ચાખ્યું, ત્યારે તેમણે તે પીવાની ના પાડી. કેટલાક સૈનિકોએ તેમના વસ્ત્રો લઇ લીધા.
35
પછી તેઓએ તેમને વધસ્તંભે જડી દીધા. ત્યારપછી, તેઓએ તેમના વસ્ત્રો પાસા વડે જુગાર રમીને અરસપરસ વહેંચી લીધા કે જેથી દરેકને એક ટુકડો મળે.
36
પછી કોઈ વ્યક્તિ તેમને બચાવવાનો પ્રયત્ન કરે તો તેને રોકવા માટે સૈનિકો ત્યાં તેમની ચોકી કરવા બેઠા.
37
તેઓએ વધસ્તંભ પર ઈસુના માથાની ઉપર એક નિશાની બાંધી કે જેના પર તેઓને શા માટે વધસ્તંભે જડવામાં આવ્યા હતા તે લખ્યું હતું. પરંતુ જે તેના પર લખ્યું હતું તે એવું જણાવતું હતું કે, 'આ યહૂદીઓના રાજા ઈસુ છે.'
38
તેઓએ બે લુંટારાઓને પણ વધસ્તંભે જડ્યા. તેઓએ એક વધસ્તંભ ઈસુની જમણી બાજુ અને બીજો ડાબી બાજુ પર મૂક્યો.
39
જાણે કે તેઓ દુષ્ટ માણસ હોય તેમ જે લોકો પસાર થતા હતા તેઓ પોતાના માથાં હલાવીને તેમનું અપમાન કરતા હતા.
40
તે લોકોએ કહ્યું, "તેં કહ્યું કે તું ભક્તિસ્થાનનો નાશ કરીને ત્રણ દિવસમાં તેને ફરીથી બાંધીશ! જો તું તે કરી શકતો હોય, તો તું પોતાને બચાવવા સમર્થ હોવો જોઈએ! જો તું ઈશ્વરનો દીકરો હોય, તો વધસ્તંભ પરથી નીચે ઊતરી આવ!"
41
તેવી જ રીતે, મુખ્ય યાજકો, જે વ્યક્તિઓ યહૂદી નિયમો શીખવતા હતા તેઓ, અને વડીલોએ તેમની મશ્કરી કરી. તેઓએ ઘણી બાબતો કહી જેવી કે,
42
"તેણે બીજાઓને તેમની બીમારીમાંથી બચાવ્યા, પરંતુ તે પોતાને સહાય કરી શકતો નથી!" "તે કહે છે કે તે ઇઝરાયલનો રાજા છે. તેથી તેણે વધસ્તંભ પરથી નીચે ઊતરી આવવું જોઈએ. પછી અમે તેના પર વિશ્વાસ કરીશું!"
43
"તે કહે છે કે તે ઈશ્વર પર ભરોસો રાખે છે, અને તે એવી વ્યક્તિ છે કે જે ઈશ્વર પણ છે. તેથી જો ઈશ્વર તેનાથી પ્રસન્ન હોય, તો ઈશ્વરે તેને હમણાં જ બચાવવો જોઈએ!"
44
અને બે લૂંટારાઓ કે જેઓ તેમની સાથે વધસ્તંભો પર હતા તેઓએ પણ તેવી જ બાબતો કહીને તેમનું અપમાન કર્યું.
45
બપોરે આખી ભૂમિ પર અંધારું થઇ ગયું. બપોરના ત્રણ વાગ્યા સુધી અંધારું જ રહ્યું.
46
આશરે ત્રણ વાગ્યે ઈસુએ મોટેથી બૂમ પાડી, "એલી, એલી, લમા શબકથની?" તેનો અર્થ છે, "મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને શા માટે મૂકી દીધો છે?"
47
જ્યારે ત્યાં ઊભેલા કેટલાક લોકોએ "એલી" શબ્દ સાંભળ્યો, ત્યારે તેઓએ વિચાર્યું કે તેઓ એલિયા પ્રબોધકને બોલાવી રહ્યા છે.
48
તરત જ તેઓમાંનો એક દોડ્યો અને વાદળી લઇ આવ્યો. તે તેણે ખાટા દ્રાક્ષારસથી ભરી. પછી તેણે તે વાદળી એક લાકડીની ટોચ પર મૂકી અને ઊંચી કરી કે જેથી ઈસુ તેમાં જે દ્રાક્ષારસ હતો તે ચૂસી શકે.
49
પરંતુ જે બીજા લોકો ત્યાં હતા તેઓએ કહ્યું, "થોભો! ચાલો આપણે જોઈએ કે એલિયા તેને બચાવવા આવે છે કે નહિ!"
50
પછી ઈસુએ ફરીથી મોટેથી બૂમ પાડી અને ઈશ્વરને પોતાનો આત્મા સોંપીને તેઓ મરણ પામ્યા.
51
તે સમયે ભારે જાડો પડદો જે ભક્તિસ્થાનના પરમપવિત્ર સ્થાનને ઢાંકતો હતો તે ઉપરથી નીચે સુધી બે ટુકડાઓમાં ચિરાઈ ગયો. પૃથ્વી હાલી, અને કેટલાક મોટા પથ્થરોના ચિરાઈને બે ભાગ થઇ ગયા.
52
કબરો ખૂલી ગઈ, અને ઘણા લોકોનાં શરીરો કે જેઓએ ઈશ્વરને માન આપ્યું હતું તેઓ જીવિત થઇ ગયા.
53
તેઓ કબરોની બહાર આવી ગયા, અને ઈસુના સજીવન થયા પછી, તેઓ યરુશાલેમમાં ગયા અને ત્યાં ઘણા લોકોને દેખાયા.
54
જે સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યા હતા તેઓની ઉપર નજર રાખતો એક અધિકારી નજીકમાં ઊભો હતો. તેના સૈનિકો કે જેઓ વધસ્તંભની ચોકી કરતા હતા તેઓ પણ ત્યાં જ હતા. જ્યારે તેમને ધરતીકંપ અનુભવ્યો અને બીજી બાબતો બનતી જોઈ, ત્યારે તેઓ ગભરાયા. તેઓએ કહ્યું, "ખરેખર તેઓ ઈશ્વરના દીકરા હતા!"
55
ત્યાં ઘણી સ્ત્રીઓ થોડા અંતરેથી જોઈ રહી હતી. તેઓ એ સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુની જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવા માટે ગાલીલથી તેમની સાથે હતી.
56
આ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ અને યાકૂબ તથા યોહાનની મા હતી.
57
જ્યારે લગભગ સાંજ પડી, ત્યારે યૂસફ નામનો એક ધનવાન માણસ ત્યાં આવ્યો. તે અરિમથાઈ નગરનો હતો. તે પણ ઇસુનો શિષ્ય હતો.
58
તે પિલાત પાસે ગયો અને પિલાતને ઈસુનું શરીર લઇને દફનાવવા માટે પરવાનગી માંગી. પિલાતે તેના સૈનિકોને તેને શરીર લઇ જવા માટે પરવાનગી આપવા હુકમ આપ્યો.
59
તેથી યૂસફ અને બીજાઓએ શરીર લઇને તેને સ્વચ્છ સફેદ કપડાંમાં લપેટ્યુ.
60
પછી તેઓએ તેને યૂસફની પોતાની નવી કબર કે જેને કામદારોએ પથ્થરના ખડકમાં ખોદી કાઢી હતી તેમાં મૂક્યું. તેઓએ કબરના પ્રવેશદ્વાર આગળ એક મોટો સપાટ ગોળાકાર પથ્થર ગબડાવી દીધો. પછી તેઓ ચાલ્યા ગયા.
61
મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામેની બાજુએ બેસીને આ બધું જોઈ રહી હતી.
62
બીજો દિવસ શનિવાર એટલે કે યહૂદી વિશ્રામનો દિવસ હતો. મુખ્ય યાજકો અને કેટલાક ફરોશીઓ પિલાત પાસે ગયા.
63
તેઓએ કહ્યું, "સાહેબ, અમને યાદ છે કે જ્યારે તે છેતરનાર જીવતો હતો, ત્યારે તેણે કહ્યું હતું, 'મારા મરણના ત્રણ દિવસ પછી હું સજીવન થઈશ.'
64
તેથી અમે તમને સૈનિકોને ત્રણ દિવસ માટે કબરની ચોકી કરવાનો હુકમ આપવા માટે કહીએ છીએ. જો તમે તેમ નહિ કરો, તો તેના શિષ્યો કદાચ આવીને તેનું શરીર ચોરી જશે. પછી તેઓ લોકોને એમ કહી શકે કે ઈસુ સજીવન થયા છે. જો તેઓ આવું કહીને લોકોને છેતરે તો, તે તો તેઓ અગાઉ છેતરતા હતા તેના કરતાં પણ ખરાબ થશે."
65
પિલાતે ઉત્તર આપ્યો, "તમે કેટલાક સૈનિકોને લઇ જઈ શકો છો. કબરે જાઓ અને તમને લાગે તેટલી રીતે તેને સુરક્ષિત બનાવો."
66
તેથી તેઓ ગયા અને કબરના પ્રવેશદ્વાર આગળના પથ્થરને દોરડાથી ખડકની બંને બાજુએ બાંધીને બંધ કરીને કબરને સુરક્ષિત બનાવી. તેઓએ ત્યાં કેટલાક સૈનિકોને પણ કબરની ચોકી કરવા માટે રહેવા દીધા.