28
1
વિશ્રામવાર પૂરો થયા પછી, રવિવારની સવારે પરોઢિયે, મગ્દલા નગરની મરિયમ તથા બીજી મરિયમ ઈસુની કબરને જોવા ગઈ.
2
ત્યારે મોટો ધરતીકંપ થયો કારણ કે ઈશ્વરનો દૂત સ્વર્ગમાંથી નીચે આવ્યો. તે કબર પાસે ગયો અને પથ્થરને પ્રવેશદ્વારથી દૂર ગબડાવી દીધો. પછી તે પથ્થર પર બેઠો.
3
તેનું શરીર વીજળી જેવું તેજસ્વી હતું અને તેના વસ્ત્રો બરફ જેવા સફેદ હતા.
4
ચોકીદારો ધ્રુજી ગયા કારણ કે તેઓ ખૂબ ગભરાયા હતા, અને તેઓ મૃત માણસોની જેમ નીચે પડી ગયા.
5
દૂતે તે બે સ્ત્રીઓને કહ્યું, "તમારે ગભરાવું જોઈએ નહિ! હું જાણું છું કે જેમને વધસ્તંભે જડવામાં આવ્યા હતા તે ઈસુને તમે શોધો છો.
6
તેઓ અહીં નથી! જેમ ઈસુએ તમને કહ્યું હતું કે ઈશ્વર કરશે તેમ જ ઈશ્વરે તેમને સજીવન કર્યા છે! અહીં આવો અને જ્યાં તેમનું શરીર મુકેલું હતું તે જગા જુઓ!
7
તેથી જલદી જાઓ અને તેમના શિષ્યોને કહો, 'તેઓ મરણમાંથી ઉઠ્યા છે! તેઓ તમારી અગાઉ ગાલીલના જીલ્લામાં જશે. તમે તેમને ત્યાં જોશો.' મેં તમને જે કીધું છે તે ધ્યાનમાં રાખજો!"
8
તેથી સ્ત્રીઓ ઝડપથી કબરેથી ગઈ. તેઓ ગભરાયેલી હતી, પરંતુ તેઓ ઘણી આનંદીત પણ હતી. જે બન્યું હતું તે શિષ્યોને કહેવા તેઓ દોડી ગઈ.
9
અચાનક, જ્યારે તેઓ દોડતા હતા, ત્યારે ઈસુ તેમને દેખાયા. તેઓએ કહ્યું, "તમને સલામ!" સ્ત્રીઓ તેમની નજીક આવી. તેઓ ઘૂંટણે પડી અને તેમના પગ પકડીને તેમની આરાધના કરી.
10
પછી ઈસુએ તેઓને કહ્યું, "ગભરાશો નહિ! જાઓ અને મારા સર્વ શિષ્યોને કહો કે તેઓ ગાલીલમાં જાય. તેઓ મને ત્યાં જોશે."
11
જ્યારે સ્ત્રીઓ જઈ રહી હતી, ત્યારે કેટલાક સૈનિકો કે જેઓ કબરની ચોકી કરતા હતા તેઓ શહેરમાં ગયા. તેઓએ જે બધુ બન્યું હતું તેનો અહેવાલ મુખ્ય યાજકોને આપ્યો.
12
તેથી મુખ્ય યાજકો અને યહૂદી વડીલો ભેગા મળ્યા. તેઓએ કબર કેમ ખાલી હતી તે સમજાવવાના રસ્તા વિષે વિચાર્યું. તેઓએ સૈનિકોને લાંચ તરીકે ઘણાં નાણાં આપ્યાં.
13
તેઓએ કહ્યું, "લોકોને કહો, 'રાત્રિ દરમિયાન તેના શિષ્યો આવ્યા અને જ્યારે અમે ઊંઘતા હતા ત્યારે તેનું શરીર ચોરી ગયા.'
14
જો રાજ્યપાલ આ વિષે સાંભળશે, તો અમે પોતે ખાતરી રાખીશું કે તે ગુસ્સે ન થાય અને તમને શિક્ષા ન કરે. તેથી તમારે ચિંતા કરવી નહિ."
15
તેથી સૈનિકોએ નાણાં લીધાં અને તેમને જેમ કહેવામાં આવ્યું હતુ તેમ કર્યું. અને આજ દિવસ સુધી આ વાત યહૂદીઓ મધ્યે કહેવામાં આવે છે.
16
પછી અગિયાર શિષ્યો ગાલીલના જીલ્લામાં ગયા. જ્યાં ઈસુએ તેમને જવાનું કહ્યું હતું ત્યાં પર્વત પર તેઓ ગયા.
17
તેઓએ તેમને ત્યાં જોયા અને તેમની આરાધના કરી. પરંતુ કેટલાકે શંકા કરી કે તેઓ ખરેખર ઈસુ હતા અને સજીવન થયા હતા.
18
પછી ઈસુ તેઓની નજીક આવ્યા અને તેઓને કહ્યું, "મારા પિતાએ મને સ્વર્ગમાંની અને પૃથ્વી પરની દરેક બાબતો અને વ્યક્તિઓ પર સર્વ અધિકાર આપ્યો છે.
19
તેથી જાઓ, અને સર્વ લોકજાતિઓના લોકોને મારો સંદેશ શીખવવા માટે મારા અધિકારનો ઉપયોગ કરો કે જેથી તેઓ મારા શિષ્યો બને. તેઓને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના અધિકાર હેઠળ રહેવા બાપ્તિસ્મા આપો.
20
મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે સર્વ પાળવા માટે તેઓને શીખવો. અને યાદ રાખો કે આ યુગના અંત સુધી, હું હંમેશા તમારી સાથે છું."