26

1 ઈસુ તે બાબતો કહી રહ્યા ત્યારે તેમણે શિષ્યોને કહ્યું, 2 "તમે જાણો છો કે બે દિવસ પછી આપણે પાસ્ખાપર્વનો તહેવાર ઉજવીશું. તે સમયે કોઈક વ્યક્તિ માણસના દીકરાને જેઓ તેમને વધસ્તંભે જડાવશે તેઓના હાથમાં સોંપી દેશે."

3 તે સમયે પ્રમુખ યાજક, જેનું નામ કાયાફા હતું તેના ઘરમાં મુખ્ય યાજકો અને યહૂદી વડીલો ભેગાં મળ્યાં. 4 ત્યાં તેઓએ કપટથી ઈસુની ધરપકડ કેવી રીતે કરવી તેની યોજના બનાવી કે જેથી તેઓ તેમને મારી નંખાવી શકે. 5 પરંતુ તેઓએ કહ્યું, "આપણે તે પાસ્ખાપર્વના તહેવાર દરમિયાન કરીશું નહિ, કારણ કે જો આપણે તે કરીશું તો, લોકો કદાચ હુલ્લડ કરે."

6 જ્યારે ઈસુ અને તેમના શિષ્યો બેથાનિયા ગામમાં હતા, ત્યારે તેઓ સિમોન, કે જેને ઈસુએ કુષ્ઠ રોગમાંથી સાજો કર્યો હતો તેના ઘરમાં જમ્યા. 7 જમતી વખતે, એક સ્ત્રી ઘરમાં આવી. તેની પાસે અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી હતી. જ્યારે ઈસુ જમી રહ્યા હતા ત્યારે તે ઈસુ પાસે ગઈ અને તેમના માથા પર બધું જ અત્તર રેડી દીધું. 8 જ્યારે શિષ્યોએ તે જોયું, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા. તેઓમાંના એકે કહ્યું, "આ અત્તરનો બગાડ થયો તે ભયંકર બાબત છે! 9 આપણે તેને વેચીને તેનાથી ઘણાં નાણાં મેળવી શક્ય હોત! પછી તે નાણાં આપણે ગરીબ લોકોને આપી શક્યા હોત." 10 ઈસુ જાણતા હતા કે તેઓ શું કહી રહ્યા હતા, તેથી તેમણે તેઓને કહ્યું, "તમારે આ સ્ત્રીને હેરાન ન કરવી જોઈએ! તેણે મારા માટે ઉત્તમ કાર્ય કર્યું છે. 11 ધ્યાનમાં રાખો કે ગરીબ લોકો હંમેશાં તમારી મધ્યે હશે, તેથી જ્યારે પણ તમે ઇચ્છો ત્યારે તેમને મદદ કરી શકો છો. પરંતુ હું હંમેશાં તમારી સાથે હોઈશ નહિ! 12 જ્યારે તેણે આ અત્તર મારા શરીર પર રેડ્યું, ત્યારે તે એવું હતું કે જાણે તે જાણતી હોય કે હું ટૂંક સમયમાં મરણ પામવાનો છું. અને તે એવું છે કે જાણે તેણે મારા શરીર પર દફનને માટે તેલ ચોળ્યું હોય. 13 હું તમને કહું છું કે: આખા જગતમાં જ્યાં કહીં લોકો મારા વિષેના શુભ સમાચારનો ઉપદેશ કરશે, ત્યાં તેઓ આ સ્ત્રીએ મારા માટે જે કર્યું છે તે કહેશે, અને તેના પરિણામે, લોકો હંમેશા તેને યાદ રાખશે."

14 પછી યહૂદા ઇશ્કરિયોત, તે બાર શિષ્યોમાંનો હોવા છતાં, મુખ્ય યાજકો પાસે ગયો. 15 તેણે તેઓને પૂછ્યું, "જો હું તમને ઈસુની ધરપકડ કરવા મદદ કરું, તો તમે મને કેટલા નાણાં આપવાની ઇચ્છા રાખો છો?" તેઓ તેને ત્રીસ ચાંદીના સિક્કા આપવા સંમત થયા. તેથી તેઓએ સિક્કાઓ ગણ્યા અને તેને આપ્યા. 16 તે સમયથી યહૂદા તક શોધવા લાગ્યો કે ક્યારે તેઓ ઈસુની ધરપકડ કરી શકે.

17 બેખમીર રોટલીના એક અઠવાડિયા જેટલાં લાંબા પર્વને પહેલે દિવસે, શિષ્યો ઈસુ પાસે ગયા અને પૂછ્યું, "તમે અમારી પાસે પાસ્ખાપર્વની ઉજવણીનું જમણ ક્યાં તૈયાર કરાવવા ઇચ્છો છો કે જેથી અમે તમારી સાથે જમી શકીએ?" 18 તેમણે શું કરવું તે વિષે ઈસુએ બે શિષ્યોને સૂચના આપી. તેમણે તેઓને કહ્યું, "શહેરમાં એક વ્યક્તિ પાસે જાઓ કે જેની પાસે મેં અગાઉથી જ આ વ્યવસ્થા કરી છે. તેને કહેજો કે હું, ગુરુજી, આ કહું છું: 'મેં જે સમય વિષે તને કહ્યું હતું તે નજીક છે. હું મારા શિષ્યો સાથે તારા ઘરે પાસ્ખાપર્વ ઉજવવાનો છું, અને મેં આ બંનેને જમણ તૈયાર કરવા મોકલ્યા છે.'" 19 તેથી તે બે શિષ્યોએ ઈસુએ તેમને જેમ કહ્યું હતું તેમ કર્યું. તેઓ ગયા અને પાસ્ખાપર્વનું જમણ તે માણસના ઘરમાં તૈયાર કર્યું.

20 જ્યારે તે સાંજ પડવા આવી, ત્યારે ઈસુ તેમના બાર શિષ્યો સાથે જમણ જમી રહ્યા હતા. 21 તેમણે તેઓને કહ્યું, "આને ધ્યાનપૂર્વક સાંભળો: મારા દુશ્મોનો મને પકડે માટે તમારામાંનો એક તેમને મદદ કરશે." 22 શિષ્યો ખૂબ દુઃખી થયા. તેઓ તેમને, એક પછી એક કહેવા લાગ્યા, "પ્રભુ, અવશ્ય તે હું નથી!" 23 તેમણે ઉત્તર આપ્યો, "જે મને મારા દુશ્મનોનાં હાથમાં પકડાવી દેશે તે તમારામાંનો એ છે જે મારી સાથે થાળીમાંના રસમાં રોટલી બોળી રહ્યો છે. 24 એ ચોક્કસ છે કે હું, માણસનો દીકરો, મરણ પામીશ, કારણ કે શાસ્ત્ર મારા વિષે એમ જ કહે છે. પરંતુ જે માણસ મને મારા દુશ્મનોનાં હાથમાં પકડાવી દેશે તેને તો ભયંકર શિક્ષા થશે! જો તે માણસ જન્મ્યો જ ન હોત તો તે તેને માટે સારું થાત!" 25 પછી યહૂદા, કે જે તેમનો વિશ્વાસઘાત કરવાનો હતો તેણે, કહ્યું, "ગુરુજી, સાચે જ હું તે નથી!" ઈસુએ ઉત્તર આપ્યો, "હા, તું તે કબૂલ કરે છે." 26 જ્યારે તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લીધી અને તેના માટે ઈશ્વરનો આભાર માન્યો. તેમણે તેને ટુકડા કરીને ભાંગી, પોતાના શિષ્યોને આપી, અને કહ્યું, "આ રોટલી લો અને ખાઓ. તે મારું શરીર છે." 27 પછી તેમણે દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને તેને માટે ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે તેઓને આપ્યો અને કહ્યું, "તમે બધા, આ પ્યાલામાંથી પીઓ. 28 આ પ્યાલામાંનો દ્રાક્ષારસ એ મારું લોહી છે. જે થોડા સમયમાં મારા શરીરમાંથી વહેવાનું છે. આ લોહી નવા કરારનું ચિહ્ન થશે કે જે ઈશ્વર ઘણા લોકોનાં પાપ માફ કરવા કરી રહ્યા છે. 29 ધ્યાનપૂર્વક આની નોંધ લો: જ્યાં સુધી હું નવા અર્થમાં તમારી સાથે તે પીઉ તે સમય આવે ત્યાં સુધી હું ફરીથી આ રીતે દ્રાક્ષારસ નહિ પીઉં. જ્યારે મારા પિતા સંપૂર્ણપણે રાજ કરશે ત્યારે તે બનશે." 30 ભજન ગાયા બાદ, તેઓએ જૈતૂન પર્વત તરફ જવાનું શરૂ કર્યું. 31 રસ્તામાં, ઈસુએ તેમને કહ્યું, "મને જે થશે તેના કારણે આજે રાત્રે તમે બધા મને છોડી દેશો! આ ચોક્કસ બનશે કારણ કે ઈશ્વરે આ જે શબ્દો કહ્યા છે તે શાસ્ત્રમાં લખેલા છે:
'હું માણસોને ઘેટાંપાળકને મારી નાખવા દઈશ,
અને તેઓ બધાં ઘેટાંને વિખેરી નાખશે.
32 પરંતુ મારા મરણ પામ્યા અને સજીવન થયા પછી, હું તમારી આગળ ગાલીલમાં જઈશ અને તમને ત્યાં મળીશ."

33 પિતરે ઉત્તર આપ્યો, "જ્યારે તેઓ જુએ કે તમારી સાથે શું બની રહ્યું છે ત્યારે કદાચ બાકીના બધા જ શિષ્યો તમને છોડી દે, પરંતુ અવશ્ય હું તમને ક્યારેય છોડીશ નહિ!" 34 ઈસુએ તેને ઉત્તર આપ્યો, "સત્ય એ છે કે આજે રાત્રે, મરઘો બોલ્યા અગાઉ, તું ત્રણ વખત કહીશ કે તું મને જાણતો નથી!" 35 પિતરે તેમને કહ્યું, "જ્યારે હું તમારો બચાવ કરું ત્યારે જો કે તેઓ મને મારી નાંખે, તો પણ હું ક્યારેય નહિ કહું કે હું તમને ઓળખતો નથી!" બાકીના બધા શિષ્યોએ પણ તે પ્રમાણે જ કહ્યું.

36 ત્યારબાદ ઈસુ શિષ્યો સાથે ગેથસેમાને કહેવાતા એક સ્થળે ગયા. ત્યાં તેમણે કહ્યું, "હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં રહો." 37 તેમણે પિતર, યાકૂબ, અને યોહાનને તેમની સાથે લીધા. તેઓ અત્યંત દુઃખિત થયા. 38 પછી તેમણે તેઓને કહ્યું, "હું ખૂબ જ દુઃખિત છું, એટલો બધો કે જાણે હું મરવાનો છું એવું અનુભવું છું! અહીં રહો અને મારી સાથે જાગતા રહો!" 39 થોડે દૂર ગયા પછી, તેઓ જમીન પર ઉંધા મુખે પડ્યા. તેમણે પ્રાર્થના કરી, "મારા પિતા, મારે જે રીતે સહન કરવું પડશે તે હું જાણું છું, જો શક્ય હોય તો તેમ થવા દેશો નહીં. પરંતુ જેમ હું ઇચ્છું છું તેમ કરશો નહીં. તેના બદલે, તમે જે ઇચ્છો છો તેમ થાઓ!" 40 પછી તેઓ ત્રણ શિષ્યોની પાસે પાછા ફર્યા અને જોયું કે તેઓ ઊંઘી રહ્યા હતા. તેમણે પિતરને જગાડ્યો અને તેને કહ્યું, "તમે લોકો ઊંઘી ગયા અને થોડા સમય માટે પણ મારી સાથે જાગવા સક્ષમ નથી તેથી હું નિરાશ છું! 41 તમારે સાવધાન રહેવું જોઈએ અને પ્રાર્થના કરો કે જ્યારે કોઈ તમને પાપ કરવા પ્રેરે ત્યારે તમે સામનો કરી શકો. હું જે કહું છું તે તમે કરવા ઇચ્છો છો પરંતુ ખરેખર તે કરવા માટે તમે પૂરતા બળવાન નથી."

42 તેઓ બીજી વખત દૂર ગયા. તેમણે પ્રાર્થના કરી, "મારા પિતા, જો મારા માટે સહન કરવું અનિવાર્ય હોય, તો તમે જે ઇચ્છો છો તેમ થાઓ!" 43 જ્યારે તેઓ ત્રણ શિષ્યો પાસે પાછા આવ્યા, ત્યારે તેમણે જોયું કે તેઓ ફરીથી ઊંઘતા હતા. તેઓ પોતાની આંખો ખુલ્લી રાખી શકતા ન હતા. 44 તેથી તેઓ તેમને છોડીને ફરીથી દૂર ગયા. જે બાબતો અગાઉ પ્રાર્થના કરતાં જણાવી હતી તે કહેતાં તેમણે ત્રીજી વાર પ્રાર્થના કરી. 45 ત્યારબાદ તેઓ બધા જ શિષ્યો પાસે પાછા આવ્યા. તેમણે તેઓને જગાડ્યા અને તેઓને કહ્યું, "તમે હજુ ઊંઘો છો અને આરામ કરો છો માટે હું નિરાશ છું! જુઓ! કોઈ વ્યક્તિ મને માણસના દીકરાને પાપી માણસો પકડે માટે મદદ કરવાની છે! 46 ઊઠો! ચાલો આપણે તેમને મળવા જઈએ! જે મને તેઓના હાથમાં પકડાવી દેશે તે આવી રહ્યો છે!" 47 જ્યારે ઈસુ હજુ બોલતા હતા, તેટલામાં યહૂદા આવ્યો. જો કે તે બાર શિષ્યમાંનો એક હતો, તેમ છતાં તે ઈસુના દુશ્મનોને તેમને પકડાવી દેવડાવવા માટે આવ્યો હતો. તરવારો અને લાકડીઓ લઈને એક મોટું ટોળું તેની સાથે આવી રહ્યું હતું. મુખ્ય યાજકો અને વડીલોએ તેમને મોકલ્યા હતા. 48 યહૂદાએ અગાઉથી તેમને સંકેત આપવા માટે ગોઠવણ કરી હતી. તેણે તેમને કહ્યું હતું, "હું જે માણસને ચુંબન કરીશ તે તમે જેને પકડવા ઇચ્છો છો તે જ છે!" 49 તે તરત જ ઈસુ પાસે ગયો અને કહ્યું, "ગુરુજી, સલામ!" પછી તેણે ઈસુને ચુંબન કર્યું. 50 ઈસુએ ઉત્તર આપ્યો, "મિત્ર, તું જે કરવાનો છે, તે જલદી કર." પછી જે માણસો યહૂદા સાથે આવ્યા હતા તેઓ આગળ આવ્યા અને ઈસુને પકડી લીધા. 51 અચાનક, ઈસુની સાથે હતા તેમાંના એક માણસે મ્યાનમાંથી તેની તરવાર કાઢી. તેણે પ્રમુખ યાજકના એક ચાકરને મારી નાખવા માટે તે તરવાર મારી, પરંતુ માત્ર તેનો કાન કપાયો. 52 ઈસુએ તેને કહ્યું, "તરવાર પાછી તેના મ્યાનમાં નાખ. જે બધા બીજાઓને તરવારથી મારી નાંખવાનો પ્રયત્ન કરે છે તેઓને બીજું કોઈક તરવારથી મારી નાખશે! 53 શું તું એવું વિચારે છે કે જો હું મારા પિતાને કહું, તો તેઓ તરત જ સ્વર્ગદૂતોના બાર સૈન્યો કરતાં વધારે મને મદદ કરવા નહિ મોકલે? 54 પરંતુ જો મેં તેવું કર્યું હોત, તો પ્રબોધકોએ શાસ્ત્રમાં મસીહ સાથે શું બનશે તે વિષે જે લખ્યું છે તે પૂર્ણ ન થાત." 55 તે સમયે ઈસુએ જે ટોળાએ તેમને પકડ્યા હતા તેઓને કહ્યું, "જાણે હું લૂંટારો હોઉં તેમ તમે અહીં તરવારો અને લાકડીઓ સાથે મને પકડવા આવ્યા છો! લોકોને શીખવવા હું દરરોજ ભક્તિસ્થાનના આંગણામાં બેસતો હતો. ત્યારે તમે મારી ધરપકડ કેમ ન કરી? 56 પરંતુ આ બધું પ્રબોધકોએ મારા વિષે શાસ્ત્રમાં જે લખ્યું તે પૂર્ણ થાય માટે બની રહ્યું છે." પછી બધા જ શિષ્યો ઈસુને છોડીને નાસી ગયા.

57 જે માણસોએ ઈસુની ધરપકડ કરી હતી તેઓ તેમને જે ઘરમાં, પ્રમુખ યાજક કાયાફા, રહેતા હતા ત્યાં લઇ ગયા. જે માણસો યહૂદી નિયમો શીખવતા હતા તેઓ તથા યહૂદી વડીલો ત્યાં અગાઉથી જ એકઠા થયા હતા. 58 પિતર ત્યાંથી થોડાંક અંતરે ઈસુની પાછળ જઈ રહ્યો હતો. તે પ્રમુખ યાજકના આંગણામાં આવ્યો. તે આંગણામાં પ્રવેશ્યો અને શું બનશે તે જોવા ચોકીદારો સાથે નીચે બેઠો.

59 મુખ્ય યાજકો અને બાકીની યહૂદી ન્યાયસભા એવા લોકોને શોધી રહ્યા હતા કે જેઓ ઇસુ વિષે જુઠ્ઠું બોલે જેથી તેઓ તેમને મારી નાખી શકે. 60 પરંતુ ઘણા લોકો તેમના વિષે જુઠ્ઠું બોલ્યા હોવા છતાં, તેઓ એવી કોઈ પણ વ્યક્તિ શોધી શક્યા નહિ કે જેણે કંઈક કામનું કહ્યું હોય. છેવટે બે માણસો આગળ આવ્યા 61 અને કહ્યું, "આ માણસે એવું કહ્યું કે, 'હું ઈશ્વરના ભક્તિસ્થાનનો નાશ કરીને તેને ત્રણ દિવસમાં બાંધવા માટે સમર્થ છું.'" 62 પછી પ્રમુખ યાજક ઊભા થયા અને ઈસુને કહ્યું, "શું તમે ઉત્તર આપવાના નથી? તેઓ તમારા પર આરોપ મૂકવા જે કહી રહ્યા છે તે બાબતો વિષે તમે શું કહો છો?" 63 પરંતુ ઈસુ મૌન રહ્યા. પછી પ્રમુખ યાજકે તેમને કહ્યું, "અમને સત્ય કહેવા માટે હું તમને આદેશ આપું છું; તમે જાણો છો કે સર્વ-શક્તિમાન ઈશ્વર તમને સાંભળી રહ્યા છે: શું તમે મસીહ, ઈશ્વરના દીકરા છે?" 64 ઈસુએ ઉત્તર આપ્યો, "હા, તમે જે કહો છો તે પ્રમાણે છે. પરંતુ હું પણ તમને બધાને આ કહીશ: કોઈક દિવસે તમે માણસના દીકરાને સર્વ-શક્તિમાન ઈશ્વરની જમણી તરફ બેઠેલા અને રાજ કરતા જોશો. તમે તેમને સ્વર્ગમાંથી વાદળો પર આવતા પણ જોશો!" 65 પ્રમુખ યાજક એટલો બધો ગુસ્સે થયો કે તેણે પોતાનો ઝભ્ભો ફાડ્યો. પછી તેણે કહ્યું, "આ માણસે ઈશ્વરનું અપમાન કર્યું છે! તે ઈશ્વરની સમાન હોવાનો દાવો કરે છે! નિશ્ચે આપણને આ માણસ વિરુદ્ધ બીજા કોઈની સાક્ષીની જરૂર નથી! તેમણે જે કહ્યું તે તમે સાંભળ્યું છે! 66 તમે શું વિચારો છો?" યહૂદી આગેવાનોએ ઉત્તર આપ્યો, "અમારા નિયમો અનુસાર, તે દોષિત છે અને મારી નાખવાને લાયક છે!" 67 પછી તેઓમાંના કેટલાંક તેમના મુખ પર થૂંક્યા. બીજાઓએ પોતાની મુઠ્ઠીઓ વડે તેમને મુક્કા માર્યા. બીજાઓએ તેમને તમાચા માર્યા 68 અને કહ્યું, "જ્યારે તું મસીહ હોવાનો દાવો કરે છે, તો અમને કહે કે તને કોણે માર્યો!" 69 પિતર બહાર આંગણામાં બેઠો હતો. ત્યાં એક દાસી તેની પાસે આવી અને તેની સામે જોયું. તેણે કહ્યું, "તું પણ ઈસુ, કે જે ગાલીલના જીલ્લાનો છે તેની સાથે હતો!" 70 પરંતુ જ્યારે ત્યાં દરેક જણ સાંભળતા હતા, ત્યારે તેણે તે નકાર્યું. તેણે કહ્યું, "તું શાના વિષે વાત કરે છે તે હું જાણતો નથી!" 71 પછી તે આંગણાના પ્રવેશદ્વારની બહાર ગયો. બીજી છોકરી કે જે ચાકર હતી તેણે તેને જોયો અને આસપાસ ઊભેલા લોકોને કહ્યું, "આ માણસ ઈસુ, કે જે નાસરેથનો છે તેની સાથે હતો." 72 પરંતુ પિતરે ફરીથી નકાર કર્યો. તેણે કહ્યું, "જો હું જુઠ્ઠું બોલું તો ઈશ્વર મને શિક્ષા કરો! હું તમને કહું છું, હું તે માણસને જાણતો પણ નથી!" 73 થોડા સમય પછી, જે લોકો ત્યાં ઊભા રહ્યા હતા તેઓ પિતરની પાસે આવ્યા અને તેને કહ્યું, "તે ચોક્કસ છે કે તું તેઓમાંનો એક છે કે જેઓ તે માણસની સાથે હતા. અમે તારી બોલી પરથી કહી શકીએ છીએ કે તું ગાલીલનો છે." 74 પછી પિતર મોટેથી જાહેર કરવા લાગ્યો કે જો તે જુઠ્ઠું બોલતો હોય તો ઈશ્વર તેને શ્રાપ આપે. તેણે સ્વર્ગમાંના ઈશ્વરને સાક્ષી આપવા કહ્યું કે તે સત્ય બોલતો હતો અને કહ્યું, "હું તે માણસને જાણતો નથી!" તરત જ મરઘો બોલ્યો. 75 પછી પિતરને ઈસુએ તેને જે શબ્દો કહ્યા હતા તે યાદ આવ્યાં, "મરઘો બોલ્યા અગાઉ, તું ત્રણ વખત કહીશ કે તું મને ઓળખતો નથી." અને પિતર ખૂબ જ રડતા રડતા આંગણાની બહાર ગયો કારણ કે તેણે જે કર્યું હતું તેથી તે ઘણો દુઃખી હતો.