23
1
પછી ઈસુએ ટોળાને અને તેમના શિષ્યોને કહ્યું,
2
"ફરોશીઓ અને જે માણસો યહૂદી નિયમો શીખવે છે તેઓએ પોતાને જે નિયમો ઈશ્વરે મૂસાને ઇઝરાયલી લોકો માટે આપેલા છે તેનું અર્થઘટન કરનાર બનાવ્યા છે.
3
એટલા માટે, તેઓ તમને જે કંઈ કરવાનું કહે તે તમારે કરવું જ જોઈએ. પરંતુ તેઓ જે કરે છે તે તમારે કરવું નહીં, કારણ કે તેઓ પોતે તે બાબતો કરતા નથી.
4
તેઓ તમારી પાસે જે નિયમો પાળવા મુશ્કેલ છે તે પાળવાની માગણી કરે છે. પરંતુ તેઓ પોતે કોઈને પણ તે નિયમો પાળવા સહાય કરતા નથી. તે એવું છે જાણે કે તેઓ ઘણો જ ભારે બોજ બાંધીને તમારા ખભાઓ ઉપર તેને ઊંચકવા માટે મૂકતા હોય. પરંતુ તમને તે ઊંચકવા માટે સહાય કરવા તેઓ એક આંગળી પણ લગાડશે નહિ.
5
તેઓ જે કંઈ કરે છે, તે એટલા માટે કરે છે કે જેથી બીજા લોકો તેમને જુએ અને તેમનાં વખાણ કરે. ઉદાહરણ તરીકે, તેઓ તેમના હાથ પર શાસ્ત્રભાગને સમાવતી જે નાની પટ્ટીઓ પહેરે છે તેને વધારે પડતી પહોળી બનાવે છે. તેઓ તેમના ઝભ્ભાની કોર વધારે છે કે જેથી બીજાઓ વિચારે કે તેઓ ઈશ્વરને માન આપે છે.
6
તેઓ બીજા લોકો તેમને માન આપે તેવું ઇચ્છે છે. ઉદાહરણ તરીકે, જમણમાં તેઓ એ આસનો પર બેસે છે જ્યાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ બેસે. સભાસ્થાનોમાં પણ તેઓ તેવાં જ સ્થાનોમાં બેસવા ઇચ્છે છે.
7
બજારોમાં લોકો તેમને ખૂબ માનભેર સલામ પાઠવે, અને તેમને 'શિક્ષક' કહીને બોલાવે તેવું તેમને ગમે છે.
8
પરંતુ તમારે, મારા શિષ્યોએ, જેમ તેઓ બીજા યહૂદી શિક્ષકોને કરે છે તેમ, લોકોને તમને 'શિક્ષક' કહીને બોલાવવા દેવા ન જોઈએ. હું એક જ માત્ર તમારો ખરેખર શિક્ષક છું. તેનો અર્થ એ કે તમે બધા એકબીજા માટે, ભાઈઓ અને બહેનો જેવા છો.
9
પૃથ્વી પર કોઈને પણ 'પિતા' તરીકે સંબોધીને માન આપશો નહીં, કારણ કે ઈશ્વર, સ્વર્ગમાંના તમારા પિતા, માત્ર તે જ તમારા સાચા પિતા છે.
10
લોકો તમને 'શિક્ષક' કહીને બોલાવે તેવું થવા દેશો નહિ, કારણ કે માત્ર મસીહ જ તમારા શિક્ષક છે.
11
તેના બદલે, તમારામાંના દરેક જે ઇચ્છતા હોય કે ઈશ્વર તેમને મહત્વપૂર્ણ ગણે, તેમણે જેમ ચાકરો કરે છે તેમ બધાની સેવા કરવી.
12
જેઓ પોતાને મહત્વપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરશે તેમને ઈશ્વર નમ્ર બનાવશે. જેઓ પોતાને નમ્ર બનાવે છે, તેઓને ઈશ્વર ખરેખર મહત્વપૂર્ણ બનાવશે."
13-14
"તમે નિયમના શિક્ષકો અને તમે ફરોશીઓ, તમે સૌ ઢોંગીઓ છો! ઈશ્વર કેટલી ભયંકર રીતે તમને શિક્ષા કરશે, કારણ કે તમે સ્વર્ગના રાજ હેઠળ આવવાનું નકાર્યું અને બીજાઓને પણ બહાર રાખ્યા. તમે પોતે અંદર જવાનું ઇચ્છ્યું નહિ, અને બીજાઓને પણ પ્રવેશવાથી અટકાવ્યા."
15
"તમે નિયમના શિક્ષકો અને ફરોશીઓ, તમે ઢોંગીઓ છો! ઈશ્વર તમને કેટલી ભયંકર રીતે શિક્ષા કરશે! તમે જે શીખવો છે તે પર કોઈ એક માણસ પણ વિશ્વાસ કરે તેના માટે તમે સખત મહેનત કરો છો. તમે સમુદ્ર અને જમીન પરની દૂર જગ્યાઓ પર પણ એવું કરવા માટે જાઓ છો. અને તેના પરિણામે, જ્યારે કોઈ એક વ્યક્તિ તમે જે શીખવો છો તેના પર વિશ્વાસ કરે, ત્યારે તે માણસને તમે પોતે છો તેના કરતા નર્કમાં જવા વધારે લાયક બનાવો છો."
16
"તમે યહૂદી આગેવાનો, ઈશ્વર કેટલી ભયંકર રીતે તમને શિક્ષા કરશે! તમે અંધ લોકો જેવા છો જે બીજાને દોરવાનો પ્રયત્ન કરે છે. તમે કહો છો, 'જાણે કે ભક્તિસ્થાન કોઈ વ્યક્તિ હોય તેમ જો કોઈ કંઈક કરવા વિષે ભક્તિસ્થાનને સમર્થન આપવા માટે કહે, અને જો તેણે આપેલા વચન પ્રમાણે તે ન પણ કરે, તો તેનો કંઈ અર્થ નથી. પરંતુ જો તે ભક્તિસ્થાનમાંના સોનાને તેના કંઇક કરવા વિષે સમર્થન આપવા માટે કહે, તો પછી તેણે તે કરવું જ જોઈએ.'
17
તમે મૂર્ખ છો, અને તમે અંધ લોકો જેવા છો! ભક્તિસ્થાનમાં જે સોનું છે તે મહત્વનું છે, પરંતુ તેના કરતા પણ વધારે ભક્તિસ્થાન મહત્વનું છે, કારણ કે એ તો ભક્તિસ્થાન છે કે જે સોનાને માત્ર ઈશ્વર માટેનું બનાવે છે.
18
તમે તે પણ કહો છો, 'જાણે કે વેદી કોઈ વ્યક્તિ હોય તેમ જો કોઈ કંઈક કરવા વિષે વેદીને સમર્થન આપવા માટે કહે, અને જો તેણે આપેલા વચન પ્રમાણે તે ન કરે, તો તેનો કંઈ અર્થ નથી. પરંતુ જો તે વેદી પર તેણે મૂકેલી ભેટને તેના કંઇક કરવા વિષે સમર્થન આપવા માટે કહે, તો પછી તેણે તે કરવું જ જોઈએ.'
19
તમે અંધ લોકો જેવા છો! વેદી પર જે ભેટ મૂકેલી છે તે મહત્વની છે, પરંતુ તેના કરતાં પણ વધારે મહત્વની વેદી છે, કારણ કે એ તો વેદી છે કે જે ભેટને માત્ર ઈશ્વર માટેની બનાવે છે.
20
તેથી જેઓ કંઈક કરવા માટેનું વચન આપે છે અને તેઓ તે કરશે તે માટે વેદીને સમર્થન આપવા કહે છે, તેઓ વેદી પર જે સર્વ છે તેને પણ તેમ જ કરવા માટે કહે છે.
21
હા, અને જેઓ કંઇક કરવા માટેનું વચન આપે છે અને તેઓ તે કરશે તે માટે ભક્તિસ્થાનને સમર્થન આપવા કહે છે, તેઓ એમ પણ કહે છે કે ઈશ્વર, કે જેમનું આ ભક્તિસ્થાન છે, તેઓ પણ તે જ બાબતોને સમર્થન આપે.
22
અને જેઓ કંઇક કરવા માટેનું વચન આપે છે અને તેઓ તે કરશે તે માટે સ્વર્ગને સમર્થન આપવા કહે છે, તેઓ ઈશ્વરના સિંહાસનને તેઓ તે કરશે તે માટે સમર્થન આપવા કહે છે, અને તેઓ ઈશ્વરને પણ, કે જે તે સિંહાસન પર બેસે છે, તેમને તે બાબતોને સમર્થન આપવા કહે છે."
23
'તમે નિયમોના શિક્ષકો અને ફરોશીઓને, ઈશ્વર કેટલી ભયંકર રીતે શિક્ષા કરશે! તમે ઢોંગીઓ છો કારણ કે, તમે ઈશ્વરને તમે ઉપજાવેલી ઔષધિઓ જેવી કે ફુદીનો, સવા અને જીરુનો દસમો ભાગ આપો છો તેમ છતાં, ઈશ્વરના જે નિયમો ખૂબ મહત્વના છે તેને પાળતા નથી. ઉદાહરણ તરીકે, તમે બીજાઓ પ્રત્યે ન્યાયપૂર્વક વર્તતા નથી, તમે બીજાઓ પ્રત્યે ભલાઈથી વર્તતા નથી, અને તમે બીજાઓ પાસેથી બળજબરીપૂર્વક વસ્તુઓ પડાવી લો છો. તમારી ઔષધિઓનો દસમો ભાગ ઈશ્વરને આપવો તે સારું છે, પરંતુ તમારે આ બીજા મહત્વના નિયમો પણ પાળવા જોઈએ.
24
તમે આગેવાનો અંધ લોકો જેવા છો કે જેઓ બીજાને દોરવાનો પ્રયત્ન કરે છે. પાણી પીતી વખતે નાનામાં નાના જીવડાને પણ ગળી જવા દ્વારા તમે ઈશ્વરને નાખુશ ન કરો તેનું ધ્યાન રાખો છો, પરંતુ જાણે તમે ઊંટને ગળી જતા હોય તેવું ખરાબ વર્તન કરો છો!
25
"તમે નિયમના શિક્ષકો અને ફરોશીઓ, ઢોંગીઓ, ઈશ્વર તમને કેટલી ભયંકર રીતે શિક્ષા કરશે! તમે પોતે સારા લોકો છો તેવું બીજાઓને બતાવો છો. તમે પ્રયત્ન કરો છો કે લોકો વિચારે કે તમે ન્યાયી છો, પરંતુ હકીકતમાં તમારા લોભ દ્વારા તથા તમારા પોતાની ખુશી માટે બીજાઓની વસ્તુઓ લઇ લેવા દ્વારા તમે તેઓની વિરુદ્ધ પાપ કરો છો. તમે એવી થાળીઓ જેવા છો જે બહારથી ચોખ્ખી છે પરંતુ અંદરથી હજુ ગંદી છે.
26
તમે અંધ ફરોશીઓ! તમારે સૌપ્રથમ બીજાઓની પાસેથી ચોરી કરવા જેવી દુષ્ટ બાબતો કરવાનું બંધ કરવું જોઈએ. પછી તમે જે ન્યાયી છે તે કરવા સક્ષમ બનશો અને થાળીઓ કે જે અંદર અને બહાર બન્ને બાજુથી ચોખ્ખી હોય તેના જેવા બનશો."
27
"તમે નિયમના શિક્ષકો, ફરોશીઓ અને ઢોંગીઓ, ઈશ્વર તમને કેટલી ભયંકર રીતે શિક્ષા કરશે! તમે લોકોની કબરોની આસપાસ ચણેલી ઇમારતો જેવા છો, ઇમારતો કે જેને સફેદ ધોળવામાં આવી હોય કે જેથી લોકો જોઈ શકે અને તેને અડવાનું ટાળી શકે. તે બહારની બાજુએ સુંદર, પરંતુ અંદર તો તેઓ મરણ પામેલા લોકોનાં હાડકાં અને ગંદકીથી ભરેલી હોય છે.
28
તમે તે કબરો જેવા છો. જ્યારે લોકો તમને જુએ છે, ત્યારે તેઓ વિચારે છે કે તમે ન્યાયી છો, પરંતુ મનથી તમે ઢોંગીઓ છો, કારણ કે તમે ઈશ્વરની આજ્ઞાઓ પાળતા નથી."
29
"તમે જેઓ યહૂદી નિયમો શીખવો છો અને તમે ફરોશીઓ ઢોંગીઓ છો! ઈશ્વર તમને કેટલી ભયંકર રીતે શિક્ષા કરશે! બીજાઓએ જે પ્રબોધકોને ઘણા સમયો પહેલાં મારી નાખ્યા તેઓની કબરો તમે ફરીથી બાંધો છો. જે સ્મારકો ન્યાયી લોકોને માન આપે છે તેને તમે શણગારો છો.
30
તમે કહો છો, 'જો અમે અમારા પૂર્વજો જીવતા હતા ત્યારે જીવતા હોત, તો જેઓએ પ્રબોધકોને મારી નાખ્યા તેમને અમે મદદ કરી ન હોત.'
31
આ રીતે તમે કબૂલો છો કે તમે તે ખૂનીઓના વંશજો છો; તેથી, તમે તેમના જેવા છો!
32
તમે પણ, જાઓ અને તમારા પૂર્વજોએ જે પાપ કરવાની શરૂઆત કરી તે પાપ કરવાનું પૂરું કરો.
33
તમે લોકો ઘણા દુષ્ટ છો! તમે ઝેરી સાપો જેવા ખતરનાક છો. તમે મૂર્ખતાપૂર્વક વિચારો છો કે ઈશ્વર નરકમાં જે શિક્ષા કરશે તેમાંથી તમે બચી જશો!
34
નોંધ લો કે આ કારણોસર હું પ્રબોધકો, સમજુ માણસો, અને શિક્ષકોને મોકલીશ. તમે તેમાના કેટલાંકને વધસ્તંભે ખીલા ઠોકી મારી નાખશો, અને કેટલાકને બીજી રીતોથી મારી નાખશો. તેમાંના કેટલાકને તમે ભક્તિ કરવાના સ્થળો પર કોરડા મારશો અને તમે તેઓને એક શહેરથી બીજા શહેરમાં કાઢી મૂકશો.
35
તેથી ઈશ્વર તમને અને તમારા પૂર્વજોને પૃથ્વી પર જીવેલા બધા જ ન્યાયી લોકો, કે જેમાં આદમનો દીકરો હાબેલ, કે જે ન્યાયી માણસ હતો, અને બારાખ્યાનો દીકરો, ઝખાર્યા, કે જેને તમારા પૂર્વજોએ ભક્તિસ્થાન અને વેદીની વચ્ચેના પવિત્ર સ્થળ પર મારી નાખ્યો, તેમને મારી નાખવા માટે દોષિત ઠરાવશે. તે બે લોકોના સમય વચ્ચે થઇ ગયેલા સર્વ પ્રબોધકોને પણ તમે મારી નાખ્યા.
36
આ વિષે વિચાર કરો: તમે લોકો કે જેઓએ મારી સેવાનું અવલોકન કર્યું છે, તેઓ તમે જ છો કે જેમને ઈશ્વર તે બધા પ્રબોધકોને મારી નાખવા માટે શિક્ષા કરશે!"
37
"ઓ યરુશાલેમના લોકો, તમે જેઓએ જે પ્રબોધકો ઘણા સમય પહેલાં જીવતા હતા તેઓને મારી નાંખ્યા, અને તમે કે જેઓએ ઈશ્વરે જેમને તમારી પાસે મોકલ્યા તેઓને પથ્થરે મારી નાખ્યા. જેમ મરઘી પોતાનાં નાનાં બચ્ચાને તેની પાંખો નીચે ભેગાં કરે છે તેમ ઘણી વખત મેં તમને એકસાથે ભેગા કરવાનું ઇચ્છ્યું કે જેથી હું તમારું રક્ષણ કરી શકું. પરંતુ હું તેમ કરું તેવું તમે ઇચ્છ્યું નહિ.
38
તેથી આ સાંભળો: તમારું શહેર નિર્જન સ્થળ બની જશે.
39
આ યાદ રાખો: જ્યારે હું પાછો ફરીશ, જ્યારે તમે મારા વિષે કહેશો કે, 'ઈશ્વર ખરેખર આ માણસથી પ્રસન્ન છે કે જે ઈશ્વરના અધિકાર સાથે આવે છે, ત્યારે જ તમે મને ફરીથી જોશો.'"