24

1 ઈસુ ભક્તિસ્થાનના આંગણામાંથી ચાલ્યા ગયા. જ્યારે તેઓ ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા અને ભક્તિસ્થાનની ઇમારતો કેવી સુંદર હતી તે વિષે વાત કરવા લાગ્યા. 2 તેમણે તેઓને કહ્યું, "આ જે ઇમારતો તમે જુઓ છો તેના વિષે હું તમને સત્ય કહું છું: સૈન્ય તેનો સંપૂર્ણપણે નાશ કરશે. એક પથ્થર પર બીજો પથ્થર પણ રહેશે નહિ."

3 પછી, ઈસુ જ્યારે જૈતૂન પર્વતના ઢોળાવ પર એકલાં બેઠા હતા ત્યારે, શિષ્યો તેમની પાસે ગયા અને તેમને પૂછ્યું, "ભક્તિસ્થાનની ઇમારતો સાથે આવું ક્યારે બનશે? અને તમે ફરીથી આવવાના છો, અને આ જગતનો અંત થવાનો છે તે દર્શાવવા શું બનશે?"

4 ઈસુએ ઉત્તર આપ્યો, "હું એટલું જ કહીશ કે, શું બનશે તેના વિષે ધ્યાન રાખો જેથી કોઈ તમને છેતરે નહિ! 5 ઘણા લોકો આવશે અને કહેશે કે હું ઈસુ છું. હા, તેઓ ખરેખર કહેશે, 'હું મસીહ છું,' અને તેઓ ઘણા લોકોને છેતરશે. 6 તમે નજીકમાં થતાં યુદ્ધો અને દૂર થતાં યુદ્ધો વિષે સાંભળશો, પરંતુ તેનાથી તમને તકલીફ ન થવા દો. ધ્યાન રાખો કે ઈશ્વરે કહ્યું છે કે તે બાબતો બનવી જ જોઈએ. પરંતુ જ્યારે તેઓ બનશે, તેનો અર્થ એ નહીં કે જગતનો અંત આવ્યો છે! 7 લોકોનાં જૂથો એકબીજા પર હુમલા કરશે, અને રાજાઓ એકબીજાની વિરુદ્ધ સૈન્યોને દોરશે. ઘણી જગ્યાઓમાં દુકાળ અને ધરતીકંપો થશે. 8 આ બાબતો પ્રથમ બનશે, પરંતુ તેઓ તો સ્ત્રી બાળકને જન્મ આપે તે અગાઉ જે પીડા સહન કરે છે તેના જેવી હશે.

9 વધુ ખરાબ બાબતો બનશે. જે લોકો તમારો વિરોધ કરે છે તેઓ તમને સહન કરવા અને મરણ પામવા લઈ જશે. બધા લોકજૂથોમાં રહેતા લોકો તમારો તિરસ્કાર કરશે. 10 વળી, ઘણાં લોકો જે રીતે તેમને સહન કરવું પડશે તેને કારણે વિશ્વાસ કરવાનું બંધ કરશે. તેઓ તેમના પોતાના સાથી વિશ્વાસીઓ સાથે વિશ્વાસઘાત કરશે અને એકબીજાને ધિક્કારશે. 11 ઘણા લોકો એમ કહેતા આવશે કે તેઓ પ્રબોધક છે, પરંતુ તેઓ જૂઠ્ઠું બોલશે, અને તેઓ ઘણા લોકોને છેતરશે. 12 કેમ કે વધુ અને વધુ લોકો ઈશ્વરના નિયમોનો ભંગ કરશે, ઘણાં વિશ્વાસીઓ ત્યારપછી એકબીજાને પ્રેમ કરશે નહિ. 13 પરંતુ જે બધા તેમના જીવનના અંત સુધી વિશ્વાસ કરતા રહેશે, તેઓને ઈશ્વર બચાવશે. 14 વધુમાં, વિશ્વાસીઓ બધા લોકજૂથોને જાહેર કરવા માટે, કે ઈશ્વર કેવી રીતે જગતના દરેક ભાગમાં રાજ કરે છે તે વિશેના શુભ સમાચારનો ઉપદેશ કરશે. પછી જગતનો અંત આવશે."

15 "પરંતુ જગતનો અંત આવે તે અગાઉ, ઘૃણાસ્પદ વ્યક્તિ કે જે પવિત્ર ભક્તિસ્થાનને અપવિત્ર કરશે અને લોકોને તે સ્થાનને છોડી દેવા કહેશે તે ભક્તિસ્થાનમાં ઊભો રહેશે. દાનિયેલ પ્રબોધકે તેના વિષે ઘણા સમય અગાઉ કહ્યું હતું અને લખ્યું હતું. જે દરેક આ વાંચે તે તેના પર ધ્યાન આપે, એ માટે હું તમને ચેતવણી આપું છું. 16 જ્યારે તમે ભક્તિસ્થાનમાં તે બાબત થતી જુઓ, ત્યારે તમે જેઓ યહૂદિયાના પ્રદેશોમાં હોય તેઓએ ઉંચી ટેકરીઓ પર નાસી જવું! 17 જેઓ પોતાના ઘરની બહાર હોય તેમણે નાસવા અગાઉ પોતાના ઘરમાં કંઈ વસ્તુઓ લેવા ન જવું. 18 જેઓ ખેતરમાં કામ કરતા હોય તેમણે નાસવા અગાઉ ઉપર પહેરવાનો ઝભ્ભો લેવા પાછા ન વળવું. 19 ગર્ભવતી સ્ત્રીઓ, અને જે પોતાનાં બાળકોને સ્તનપાન કરાવતી હશે તે સ્ત્રીઓ માટે તે સમય કેટલો ભયંકર હશે, કારણ કે તેમના માટે નાસી જવું ઘણું મુશ્કેલ હશે! 20 તમારું નાસવાનું શિયાળામાં કે જ્યારે મુસાફરી કરવી મુશ્કેલ છે ત્યારે અથવા વિશ્રામવારે, એટલે કે આરામના દિવસે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો; 21 કારણ કે એ બાબતો બનશે ત્યારે લોકો ઘણી ગંભીર રીતે સહન કરશે. ઈશ્વરે દુનિયા બનાવી ત્યારથી અત્યાર સુધી લોકોએ એટલું ગંભીર રીતે સહન કર્યું નથી, અને કોઇપણ તે રીતે ફરીથી ક્યારેય સહન કરશે નહિ. 22 જ્યારે લોકોને ખૂબ જ સહન કરવું પડશે તે સમય જો ઈશ્વરે ઓછો કરવાનું ન વિચાર્યું હોત, તો દરેક વ્યક્તિ નાશ પામી હોત. પરંતુ તેમણે તે ટૂંકો કરવાનું નક્કી કર્યું કારણ કે જે લોકોને તેમણે પસંદ કર્યા છે તેઓની તેમને ચિંતા છે."

23 "તે સમયે, જો કોઈ તમને કહે, 'જુઓ, મસીહ અહીં છે!' અથવા કોઈ કહે, 'મસીહ ત્યાં છે!' તો વિશ્વાસ કરશો નહિ! 24 તેઓ લોકોને છેતરવા, ઘણાં બધા પ્રકારના ચમત્કારો અને અદ્દભુત કાર્યો કરશે. 25 ભૂલતા નહીં કે મેં તમને આ બધું બને તે અગાઉ ચેતવ્યા છે. 26 તેથી જો કોઈ તમને કહે, 'જુઓ, મસીહ અરણ્યમાં છે!' તો ત્યાં જશો નહિ. તેવી જ રીતે, જો કોઈ તમને કહે, 'જુઓ, તેઓ એક ગુપ્ત ઓરડામાં છે!' તો તે વ્યક્તિ પર વિશ્વાસ કરશો નહિ, 27 કારણ કે જેવી રીતે પૂર્વથી પશ્ચિમમાં વીજળી ચમકે છે અને લોકો જુએ છે, તેવી જ રીતે, જ્યારે માણસનો દીકરો પાછો આવશે, ત્યારે દરેક તેમને જોશે. 28 જ્યારે ગીધ એકઠાં થાય છે ત્યારે તમે જાણો છો કે ત્યાં કોઈ પ્રાણીનું શબ છે તેમ જ તે દરેકને માટે સ્પષ્ટ થશે."

29 "લોકો તે સમય દરમિયાન સહન કરશે તે પછી તરત જ, સૂર્ય અંધકારમય થઈ જશે. ચંદ્ર ચમકશે નહિ. તારાઓ આકાશમાંથી ખરવા લાગશે. અને ઈશ્વર આકાશમાંની સર્વ વસ્તુઓને તેમના પોતાના સ્થાન પરથી હલાવશે. 30 તે પછી, દરેક જણ માણસના દીકરાને આકાશમાં જોશે. ત્યારબાદ આખી પૃથ્વી પરના લોકોનાં જૂથોમાંના અવિશ્વાસી લોકો આક્રંદ કરશે કારણ કે તેઓ ડરશે. તેઓ મને, માણસના દીકરાને, મહાન મહિમા સહિત વાદળો પર આવતો જોશે. 31 તેઓ સ્વર્ગની સર્વ જગ્યાએથી પૃથ્વી પર દૂતોને મોકલશે. જ્યારે તેઓ રણશિંગડાંનો મોટો અવાજ સાંભળશે, ત્યારે તેઓ ઈશ્વરના જ લોકોને - કે જેઓને તેમણે આખી પૃથ્વી પરથી - પસંદ કર્યા છે તેઓને એકઠાં કરશે."

32 "હવે અંજીરનું વૃક્ષ કેવી રીતે વધે છે તેમાંથી કંઇક શીખવા માટે ધ્યાન આપો. જ્યારે અંજીરના વૃક્ષની ડાળીઓ નરમ થાય છે અને તેના પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે. 33 તેવી જ રીતે, જ્યારે તમે આ બધી બાબતો બનતી જુઓ, ત્યારે તમે જાણશો કે તેમના પાછા આવવાનો સમય ઘણો નજીક છે. 34 આ તમારા ધ્યાનમાં રાખો: જેઓએ આ બાબતોનું અવલોકન કર્યું હશે તે લોકો મરણ પામશે તે અગાઉ આ બધી ઘટનાઓ બનશે. 35 આ બાબતો જે વિષે મેં તમને કહ્યું છે તે બનશે તે વિષે તમે ખાતરી રાખો. એક દિવસ આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પરંતુ હું જે કહીશ તે હંમેશાં સાચું હશે."

36 "આ બાબતો કયા દિવસે કે કઈ ઘડીએ બનશે તે વિષે બીજી કોઈ વ્યક્તિ, સ્વર્ગમાંનો કોઈ દૂત કે દીકરો પણ જાણતો નથી. માત્ર ઈશ્વર પિતા જાણે છે. 37-39 જ્યારે નૂહ જીવતો હતો ત્યારે જે બન્યું તેના જેવું તે હશે. જ્યાં સુધી પૂર આવ્યું, ત્યાં સુધી લોકોને ખબર ન હતી કે તેમની સાથે કંઇક ખરાબ બનશે. તેઓ હંમેશની જેમ ખાતા-પીતા હતા. પુરુષો લગ્ન કરતા હતા, અને માતા-પિતાઓ તેમની દીકરીઓ પુરુષો સાથે લગ્ન કરવા માટે આપતાં હતાં. જ્યાં સુધી નૂહ અને તેનું કુટુંબ મોટા વહાણમાં પ્રવેશ્યું ત્યાં સુધી તેઓ આવું બધું કરતા હતા. અને પછી પૂર આવ્યું અને જેઓ વહાણમાં ન હતા તેઓ સર્વને ડુબાડી દીધા. તેવી જ રીતે, અવિશ્વાસી લોકો માણસનો દીકરો ક્યારે પાછો આવશે તે જાણશે નહિ. 40 જ્યારે તે બનશે ત્યારે બધા જ લોકોને સ્વર્ગમાં ઉપર લઇ લેવાશે નહિ. ઉદાહરણ તરીકે, બે વ્યક્તિઓ ખેતરમાં હશે. તેમાંની એક સ્વર્ગમાં ઉપર લેવાશે અને બીજી વ્યક્તિ શિક્ષા કરવા પડતી મુકાશે. 41 તેવી જ રીતે, બે સ્ત્રીઓ હાથઘંટીથી અનાજ દળતી હશે. તેમાંથી એક સ્વર્ગમાં ઉપર લેવાશે અને બીજી પડતી મૂકાશે. 42 તેથી, પ્રભુ પૃથ્વી પર ક્યારે પાછા ફરશે તે તમે જાણતા નથી માટે, સર્વ સમયે તમારે તૈયાર રહેવાની જરૂર છે. 43 તમે જાણો છો કે જો ઘરનો માલિક જાણતો હોય કે રાત્રે કયા સમયે ચોર આવશે, તો તે જાગતો રહેશે અને ચોરને ઘરમાં આવતો અટકાવશે. તેવી જ રીતે, જેમ ચોર આવે છે તેમ માણસનો દીકરો અચાનક આવશે. 44 તેથી તમારે તૈયાર રહેવાની જરૂર છે કારણ કે માણસનો દીકરો પૃથ્વી પર એવા સમયે પાછો આવશે જ્યારે તમે તેમના આવવાની આશા રાખી નહિ હોય."

45 "દરેક વિશ્વાસુ અને સમજુ ચાકર કેવો હોય તે વિષે વિચાર કરો. ઘરનો માલિક એક ચાકરને બીજા ચાકરો પર દેખરેખ રાખવા નીમે છે. તે તેને તેઓને યોગ્ય સમયે જમવાનું આપવા માટે કહે છે. પછી તે લાંબી મુસાફરી માટે નીકળે છે. 46 જ્યારે ઘરનો માલિક પાછો ફરે ત્યારે જો ચાકર તેનું કામ કરતો હોય, તો ઘરનો માલિક તેનાથી ખૂબ પ્રસન્ન થશે. 47 આ વિષે વિચાર કરો: ઘરનો માલિક એક ચાકરને તેની સંપત્તિની દેખરેખ રાખવા માટે નીમશે. 48 પરંતુ તે દુષ્ટ ચાકર કદાચ પોતાને કહે, 'માલિક ઘણાં સમયથી દૂર છે, તેથી કદાચ તે જલદી પાછો આવશે નહિ અને હું શું કરું છું તે શોધી શકશે નહિ.' 49 તેથી તે બીજા ચાકરોને મારવાનું શરૂ કરશે અને જેઓ પીધેલાં છે તેઓની સાથે ખાશે અને પીશે. 50 પછી ઘરનો માલિક જ્યારે ચાકરે આશા નહિ રાખી હોય તેવા સમયે પાછો આવશે. 51 તે તે ચાકરને ગંભીર રીતે શિક્ષા કરશે અને તેને જ્યાં ઢોંગીઓને રાખ્યા છે ત્યાં રાખશે. તે જગ્યામાં લોકો રડે છે અને તેઓ ઘણું સહન કરે છે તેના કારણે તેઓ તેમના દાંત પીસે છે."