22

1 પછી ઈસુએ યહૂદી આગેવાનોને બીજાં ઉદાહરણો કહ્યાં. તેમાંનું એક આ ઉદાહરણ છે. 2 "સ્વર્ગમાંથી શાસન કરતા ઈશ્વર એક રાજા જેવા છે જેણે પોતાના ચાકરોને કહ્યું કે તેઓએ તેના દીકરાના લગ્નજમણની તૈયારી કરવી જોઈએ. 3 જ્યારે જમણ તૈયાર થઇ ગયું, ત્યારે રાજાએ પોતે જેઓને આમંત્રણ આપ્યું હતું તેઓને એવું કહેવા તેના ચાકરોને મોકલ્યા કે તેમનો લગ્નજમણમાં આવવાનો સમય થઇ ગયો છે. ચાકરો બહાર ગયા અને લોકોને કહ્યું. પરંતુ જેઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા તેઓ આવવા ઇચ્છતા ન હતા. 4 તેથી રાજાએ ફરીથી બીજા ચાકરોને મોકલ્યા કે તેઓ તેમને જમણમાં આવવા માટે કહે. તેણે તે ચાકરોને કહ્યું, 'જે લોકોને મેં જમણમાં આવવા માટે આમંત્રિત કર્યા છે તેઓને કહો, "રાજા તમને આ કહે છે, 'મેં જમણ તૈયાર કર્યું છે. માતેલાં પશુઓને કાપીને રાંધવામાં આવ્યા છે. બધું જ તૈયાર છે. હવે સમય છે કે તમે લગ્નજમણમાં આવો.'"' 5 પરંતુ જ્યારે ચાકરોએ તેમને તેમ કહ્યું, ત્યારે તેઓએ ચાકરોએ જે કહ્યું તેની અવગણના કરી. તેમાંના કેટલાક પોતાના ખેતરોમાં ગયા. બીજા તેમના વેપારના સ્થળે ગયા. 6 તેઓમાંના બાકીનાઓએ રાજાના ચાકરોને પકડ્યા, તેઓની સાથે ગેરવર્તાવ કર્યો, અને તેમને મારી નાખ્યા. 7 જે બન્યું હતું તે જ્યારે રાજાએ સાંભળ્યું, ત્યારે તે કોપાયમાન થયો. તેણે તેના સૈનિકોને જઈને તે ખૂનીઓને મારી નાખીને તેઓના શહેરને સળગાવી દેવા માટે આદેશ આપ્યો. 8 તેના સૈનિકોએ તેવું કર્યું પછી, રાજાએ તેના બીજા ચાકરોને કહ્યું, 'મેં લગ્ન જમણ તૈયાર કર્યું છે, પરંતુ જે લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા તેઓ તે માટે લાયક નથી. 9 તેથી મુખ્ય રસ્તાઓનાં નાકા પર જાઓ. તમને જે કોઈ મળે તેમને કહો કે તેઓ લગ્ન જમણમાં આવે.' 10 તેથી ચાકરો ત્યાં ગયા, અને જે મળે તે સર્વને તેઓએ ભેગા કર્યા. તેઓએ સારા અને ખરાબ બન્ને પ્રકારના લોકોને ભેગા કર્યા. તેઓ તેમને જ્યાં લગ્નજમણ શરૂ થવાનું હતું તે ખંડમાં લાવ્યા. ખંડ લોકોથી ભરેલો હતો. 11 પરંતુ જ્યારે રાજા મહેમાનોને જોવા ખંડમાં ગયો, ત્યારે તેણે કોઈકને મહેમાનોને લગ્ન જમણમાં પહેરવા માટે આપેલાં વસ્ત્રો પહેરેલો જોયો નહિ. 12 રાજાએ તેને કહ્યું, 'મિત્ર, તારે આ ખંડમાં ક્યારેય પ્રવેશવું જોઈતું ન હતું, કારણ કે લગ્નજમણમાં મહેમાનોએ જે વસ્ત્રો પહેરવાં જોઈએ તે તેં પહેર્યાં નથી!' તે માણસે કંઈ જ કહ્યું નહિ, કારણ કે શું કહેવું તે, તે જાણતો ન હતો. 13 પછી રાજાએ તેના ચાકરોને કહ્યું, 'આ વ્યક્તિના હાથપગ બાંધી દો અને તેને બહાર જ્યાં સંપૂર્ણ અંધકાર છે, જ્યાં લોકો પીડાને કારણે રડે છે અને તેમના દાંત પીસે છે ત્યાં ફેંકી દો." 14 ત્યારબાદ ઈસુએ કહ્યું, "આ ઉદાહરણનો મુદ્દો એ છે કે ઈશ્વરે તેમની પાસે આવવા માટે ઘણાને આમંત્રિત કર્યા છે, પરંતુ ખૂબ થોડા લોકો છે કે જેમને તેમણે ત્યાં રહેવા માટે પસંદ કર્યા છે.'

15 ઈસુએ તે કહ્યું પછી, ફરોશીઓ એવી યોજના બનાવવા માટે ભેગા મળ્યા કે તેઓ તેમને એવું કંઇક બોલવા માટે મજબૂર કરે કે જેથી તેઓ તેમના પર આરોપ મૂકી શકે. 16 તેઓએ તેમની પાસે પોતાના કેટલાક શિષ્યોને અને જેઓ હેરોદના પક્ષના હતા તેઓને મોકલ્યા. તેઓએ ઈસુને કહ્યું, "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્યવાદી છો અને ઈશ્વર અમારી પાસેથી શું કરાવવા ઇચ્છે છે તે વિષે તમે અમને સત્ય શીખવો છો. અમે એ પણ જાણીએ છીએ કે કોઈ તમારા વિષે કંઇક કહે તેને કારણે તમે તમારું શિક્ષણ બદલતા નથી, પછી ભલે તે ગમે તેટલી મોટી વ્યક્તિ હોય. 17 તેથી અમને કહો કે આ બાબત વિષે તમે શું વિચારો છો: અમે રોમન સરકારને કર આપીએ છીએ તે શું યોગ્ય છે, કે નહીં?" 18 પરંતુ ઈસુ જાણતા હતા કે તેઓ ખરેખર જે કરવા ઇચ્છે છે તે દુષ્ટતા છે. તેઓ ઇચ્છતા હતા કે ઈસુ એવું કંઈક કહે કે જે તેમને યહૂદી સત્તાવાળાઓ અથવા રોમન સત્તાવાળાઓ સાથે મુશ્કેલીમાં મૂકે. તેથી તેમણે તેઓને કહ્યું, "તમે ઢોંગીઓ છો; તમે ઇચ્છો છો કે હું એવું કંઈક કહું કે જેથી તમે મારા પર આરોપ મૂકી શકો. 19 લોકો રોમન સરકારને જેનાથી કર ભરે છે તેમાંનો એક સિક્કો મને બતાવો." તેથી તેઓએ તેમને એક સિક્કો જે દીનાર કહેવાય છે તે બતાવ્યો. 20 તેમણે તેઓને કહ્યું, "આ સિક્કા પર કોની છબી છે? અને તેના પર કોનું નામ છે?" 21 તેઓએ જવાબ આપ્યો, "તેના પર રોમન સરકારના વડા, કાઈસારનું નામ અને છબી છે." પછી તેમણે તેઓને કહ્યું, "તો સરકારનું જે છે તે સરકારને આપો, અને ઈશ્વરનું જે છે તે ઈશ્વરને આપો." 22 જ્યારે તે માણસોએ ઈસુને એવું કહેતા સાંભળ્યા, ત્યારે તેઓને આશ્ચર્ય થયું કે તેમના જવાબે કોઈને તેમના પર આરોપ મૂકવા સમર્થ કર્યા નહિ. પછી તેઓ ઈસુને મૂકીને ચાલ્યા ગયા.

23 તે જ દિવસ દરમિયાન, કેટલાક સાદુકીઓ ઈસુ પાસે આવ્યા. તેઓ એવા યહૂદી લોક છે જે મરણ પામ્યા પછી લોકો સજીવન થાય છે તેવો વિશ્વાસ કરતા નથી. તેઓએ ઈસુને પૂછ્યું, 24 "ગુરુજી, મૂસાએ શાસ્ત્રોમાં લખ્યું, 'જો કોઈ પુરૂષ જેને બાળકો ન હોય તે મરણ પામે, તો તેના ભાઈએ મરણ પામનાર પુરુષની વિધવા સાથે લગ્ન કરવાં જ જોઈએ કે જેથી તે તેનાથી બાળક મેળવી શકે. તે બાળક જે પુરુષ મરણ પામ્યો તેનું વંશજ ગણાશે, અને તે રીતે મરણ પામેલા પુરુષને વંશજો થશે.' 25 એક કુટુંબમાં સાત દીકરાઓ હતા. સૌથી મોટાએ કોઈ સ્ત્રી સાથે લગ્ન કર્યાં. તેને અને તેની પત્નીને કોઈ બાળકો ન હતાં, અને તે મરણ પામ્યો. તેથી બીજા ભાઈએ તે વિધવા સાથે લગ્ન કર્યાં. પરંતુ તે પણ બાળક મેળવ્યા વિના મરણ પામ્યો. 26 તે જ બાબત ત્રીજા ભાઈ સાથે, અને બાકીના ચાર ભાઈઓ સાથે બની, કે જેઓએ એક પછી એક તે જ સ્ત્રી સાથે લગ્ન કર્યાં. 27 છેવટે, તે સ્ત્રી પણ મરણ પામી. 28 તેથી, તે સમયે કે જ્યારે ઈશ્વર લોકોને મૂએલાંમાંથી ઉઠાડશે, ત્યારે તમે શું વિચારો છો તે સાતમાનો કયો ભાઈ તેનો પતિ થશે? ધ્યાનમાં રાખો કે તેઓ બધાએ તેની સાથે લગ્ન કર્યા હતા." 29 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, "તમે જે વિચારો છો તેમાં તમે ચોક્કસ ખોટા છો. શાસ્ત્રોમાં શું લખેલું છે તે તમે જાણતા નથી. તમે એ પણ જાણતા નથી કે ઈશ્વર પાસે લોકોને સજીવન કરવાનું સામર્થ્ય છે. 30 હકીકત એ છે કે તે સ્ત્રી તેઓમાંથી કોઈની પણ પત્ની નહિ હોય, કારણ કે ઈશ્વર બધા મરણ પામેલા લોકોને સજીવન કરશે તે પછી, કોઇપણ વ્યક્તિ લગ્ન કરેલી નહીં હોય. તેના બદલે, લોકો સ્વર્ગમાંના દૂતો જેવા હશે. તેઓ લગ્ન કરતા નથી. 31 પરંતુ મરણ પામેલાના સજીવન થવા વિષે, ઈશ્વરે કંઈક કહ્યું છે. મને ખાતરી છે કે તમે તે વાંચ્યું હશે. ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબના મરણ પામ્યાના ઘણા સમય પછી, ઈશ્વરે મૂસાને કહ્યું, 32 'ઇબ્રાહિમે જેની આરાધના કરી, ઇસહાકે જેની આરાધના કરી, અને યાકૂબે જેની આરાધના કરી તે ઈશ્વર હું છું.' મરણ પામેલા લોકો ઈશ્વરની આરાધના કરતા નથી. પરંતુ જીવતા લોકો ઈશ્વરની આરાધના કરે છે. તેથી આપણને ખાતરી છે કે તેમના આત્માઓ હજુ જીવિત છે!"

33 જ્યારે લોકોના ટોળાએ ઈસુને આવું શીખવતા સાંભળ્યા, ત્યારે તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા.

34 પરંતુ જ્યારે ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુએ સદૂકીઓને એ રીતે જવાબ આપ્યો કે જેથી સદૂકીઓ તેમને શો પ્રત્યુત્તર આપવો તે વિચારી પણ ન શકે, ત્યારે ફરોશીઓ ઈસુને શું કહેવું તેની યોજના કરવા ભેગા થયા. પછી તેઓ ઈસુની પાસે ગયા. 35 તેઓમાંનો એક એ માણસ હતો, કે જેણે ઈશ્વરે મૂસાને જે નિયમો આપ્યા હતા તેનો સારો અભ્યાસ કર્યો હતો. તે ઈસુ સાથે વાદવિવાદ કરવા ઇચ્છતો હતો. તેણે તેમને પૂછ્યું, 36 "ગુરુજી, ઈશ્વરે મૂસાને આપેલા નિયમોમાંથી કઈ આજ્ઞા સૌથી મહત્વની છે?" 37 ઈસુએ શાસ્ત્રમાંથી ટાંકતા ઉત્તર આપ્યો, "તારે પ્રભુ તારા ઈશ્વરને તારા પૂરા મનથી પ્રેમ કરવો. તું જે બધું ઇચ્છે છે તેમાં, તું જે બધું અનુભવે છે તેમાં, અને તું જે બધું વિચારે છે તેમાં તું ઈશ્વરને પ્રેમ કરે છે તેમ દર્શાવવું.' 38 ઈશ્વરે મૂસાને આપેલા નિયમોમાં તે સૌથી મહત્વની આજ્ઞા છે. 39 બીજી સૌથી મહત્વની આજ્ઞા જે બધાએ ચોક્કસપણે પાળવી જ તે એ છે કે: 'તારે તારી આસપાસના લોકોને તું તારા પોતા પર જેટલો પ્રેમ કરે છે તેટલો પ્રેમ કરવો.' 40 આ બે આજ્ઞાઓ મૂસાએ શાસ્ત્રવચનમાં જે સર્વ નિયમો લખ્યા અને પ્રબોધકોએ પણ જે સર્વ લખ્યું તેનો આધાર છે."

41 જ્યારે ફરોશીઓ હજુ પણ ઈસુની નજીક ભેગા થયેલા હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું, 42 "મસીહ વિષે તમે શું વિચારો છો? તેઓ કોના વંશજ છે?" તેઓએ તેમને કહ્યું, "તે દાઉદ રાજાના વંશજ છે." 43 ઈસુએ તેઓને કહ્યું, "જો મસીહ દાઉદ રાજાના વંશજ હોય, તો જ્યારે પવિત્ર આત્માએ દાઉદને જે કહેવા માટે કહ્યું તેમાં દાઉદ રાજાએ તેમને 'પ્રભુ' કહ્યા ન હોત. 44 દાઉદે શાસ્ત્રોમાં મસીહ વિષે લખ્યું છે: 'ઈશ્વરે મારા પ્રભુને કહ્યું, "જ્યાં સુધી હું તારા શત્રુઓને તારા પગ નીચે ન મૂકું, ત્યાં સુધી અહીં મારી જમણી બાજુએ બેસ, કે જ્યાં હું તને ખૂબ માન આપીશ." 45 તેથી, હવે જો દાઉદ રાજા મસીહને 'મારા પ્રભુ' કહે છે, તો મસીહ દાઉદના વંશજ ન હોય શકે! તેઓ તો દાઉદ કરતા ઘણા મહાન હોવા જોઈએ!" 46 જેઓએ ઈસુને તેમ કહેતા સાંભળ્યા તેઓમાંથી કોઈ પણ તેમને જવાબમાં શું કહેવું તેનો એકપણ શબ્દ વિચારી શક્યા નહિ. તે પછી, કોઈએ ક્યારેય પણ તેમને ફસાવવા માટે બીજો કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત કરી નહિ.