21

1-2 ઈસુ અને તેમના શિષ્યો યરુશાલેમ નજીક પહોંચ્યા કે તેઓ જૈતૂનના પહાડ પાસેના, બેથફાગે ગામમાં ગયા. ઈસુએ તેમના શિષ્યોમાંના બે ને કહ્યું, "તમારી સામેના ગામમાં જાઓ. જેવા તમે તેમાં પ્રવેશશો, કે તમે એક ગધેડી અને તેના વછેરાને બાંધેલાં જોશો. તેમને છોડીને અહીં મારી પાસે લાવો. 3 તમે જે કરો છો તે વિષે જો કોઈપણ તમને પૂછે, તો તેને કહેજો, 'પ્રભુને તેમની જરૂર છે.' પછી તે તમને તેને લઈ જવા દેશે." 4-5 જ્યારે આ બધું બન્યું, ત્યારે એક પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું ઠર્યું. તે પ્રબોધકે લખ્યું હતું, "યરુશાલેમમાં રહેતા લોકોને કહો, 'જુઓ! તમારા રાજા તમારી પાસે આવે છે! તેઓ નમ્રતાથી આવશે. તેઓ બતાવશે કે તેઓ નમ્ર છે, કારણ કે તેઓ ગધેડાના બચ્ચા, વછેરા પર સવાર થઈને આવશે.'"

6 તેથી તે બે શિષ્યો ગયા અને પ્રભુએ તેમને જે કરવા કહ્યું હતું તે કર્યું. 7 તેઓ ગધેડી અને તેના વછેરાને ઈસુની પાસે લાવ્યા. તેઓએ તેમના બેસવાનું આસન બનાવવા માટે પોતાના ઝભ્ભા તેના પર મૂક્યા. પછી ઈસુ તેના પર સવાર થયા. 8 ત્યારપછી મોટાં ટોળાએ પોતાનાં ઉપવસ્ત્રો રસ્તા પર પાથર્યાં, અને બીજા લોકોએ ખજૂરીના વૃક્ષોની ડાળીઓ કાપી અને તેને રસ્તા પર પાથરી. 9 ટોળામાં જેઓ તેમની આગળ પાછળ ચાલતા હતા તેઓ બૂમો પાડી રહ્યા હતા,
"દાઉદ રાજાના વંશજ, ખ્રિસ્તની સ્તુતિ થાઓ!"
"ઈશ્વરના પ્રતિનિધિ તરીકે અને ઈશ્વરના અધિકારથી આ જે આવે છે તેને પ્રભુ ઈશ્વર આશીર્વાદિત કરો."
"સર્વોચ્ચ સ્વર્ગમાંના ઈશ્વરની સ્તુતિ થાઓ!"
10 જ્યારે ઈસુ યરુશાલેમમાં પ્રવેશ્યા, ત્યારે આખા શહેરમાંથી પુષ્કળ લોકો ઉત્સાહિત થઈને કહેવા લાગ્યા, "શા માટે તેઓ આ માણસને આવું માન આપે છે?" 11 જે ટોળું તેમને અનુસરી રહ્યું હતું તેણે જવાબ આપ્યો, "આ ઈસુ, ગાલીલમાંના નાસરેથના પ્રબોધક છે!"

12 પછી ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં ગયા અને ત્યાં જેઓ ખરીદતા કે વેચતા હતા તેઓ બધાંને બહાર કાઢી મૂક્યા. જેઓ ભક્તિસ્થાનના કરનાં નાણાં માટે રોમન સિક્કાઓ બદલતાં હતા તેઓની મેજ અને જેઓ બલિદાન માટે કબૂતરો વેચતા હતા તેઓનાં બાજઠો પણ તેમણે ઊંધા પાડ્યાં. 13 ત્યારબાદ તેમણે તેઓને કહ્યું, "પ્રબોધકે શાસ્ત્રવચનમાં લખ્યું છે કે ઈશ્વરે કહ્યું, 'હું ઇચ્છું છું કે મારું ઘર એક એવું સ્થળ બને કે જ્યાં લોકો મને પ્રાર્થના કરે,' પરંતુ તમે લોકોએ તેને જ્યાં લૂંટારાઓ એકઠા થાય તેવું સ્થળ બનાવી દીધું છે!"

14 તે પછી, ઘણાં અંધ અને અપંગ લોકો ભક્તિસ્થાનમાં ઈસુની પાસે આવ્યા કે જેથી તેઓ તેમને સાજા કરે, અને ઈસુએ તેમ કર્યું. 15 ઈસુએ જે અદ્દભુત કાર્યો કર્યા તે, પ્રમુખ યાજક અને જે માણસો લોકોને યહૂદી નિયમ શીખવતા હતા તેઓએ જોયાં. ભક્તિસ્થાનમાં તેમણે બાળકોને પણ, "અમે દાઉદ રાજાના વંશજ, મસીહની સ્તુતિ કરી છીએ!" તેમ બૂમો પાડતાં જોયાં. તેથી તેઓ ક્રોધે ભરાયા. 16 તેઓએ તેમને પૂછ્યું, "તમે આ કેવી રીતે સહન કરી શકો છો? આ લોકો જે બૂમો પાડી રહ્યા છે તે શું તમે સાંભળો છો?" પછી ઈસુએ તેઓને કહ્યું, "હા, હું સાંભળું છું, પરંતુ મારી સ્તુતિ કરતાં બાળકો વિશે શાસ્ત્રોમાં જે તમે વાંચ્યું હતું તે જો તમને યાદ હોત, તો તમે એ જાણતા હોત કે ઈશ્વર તેઓનાથી પ્રસન્ન છે. ગીતકર્તાએ ઈશ્વરને કહેતાં, લખ્યું છે, 'તમે નવજાત અને અન્ય બાળકોને તમારી સ્તુતિ સંપૂર્ણપણે કરતાં શીખવ્યું છે.'"

17 પછી ઈસુ તે શહેર છોડીને ગયા. શિષ્યો તેમની સાથે બેથાનિયા ગામમાં ગયા, અને તે રાતે તેઓ ત્યાં રહ્યા.

18 બીજે દિવસે વહેલી સવારે જ્યારે તેઓ શહેરમાં પાછા જઈ રહ્યા હતા, ત્યારે ઈસુ ભૂખ્યા થયા. 19 તેઓએ રસ્તાની નજીક એક અંજીરનું વૃક્ષ જોયું, તેથી ખાવા માટે કેટલાંક અંજીર તોડવા તેઓ તેની પાસે ગયા. પરંતુ જ્યારે તેઓ નજીક ગયા, ત્યારે તેમણે જોયું કે વૃક્ષ પર અંજીર ન હતાં, પરંતુ માત્ર પાંદડા જ હતાં. તેથી તેમણે અંજીરના વૃક્ષને કહ્યું, "તું ફરી કદી અંજીર ન ઉપજાવે!" તેના પરિણામે, તે અંજીરનું વૃક્ષ તરત જ સુકાઈ ગયું. 20 બીજે દિવસે શિષ્યોએ જોયું કે તે અંજીરનું વૃક્ષ સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું. તેઓ આશ્ચર્ય પામ્યા અને ઈસુને કહ્યું, "અંજીરનું વૃક્ષ આટલું ઝડપથી કેવી રીતે સુકાઈ ગયું?" 21 ઈસુએ તેઓને કહ્યું, "આ વિષે વિચાર કરો: જો તમે વિશ્વાસ કરો કે ઈશ્વર પાસે તમે જે માંગ્યું છે તે તેઓ કરશે અને તે વિષે શંકા ન કરો તો, મેં આ વૃક્ષને જે કર્યું છે તેના જેવી બાબતો કરવા તમે શક્તિમાન બનશો. તમે એવી અદ્દભુત બાબતો કરવા માટે પણ શક્તિમાન બનશો જેમ કે તમે પેલી ટેકરીને કહેશો, 'પોતાને જડમૂળથી ઉખાડીને સમુદ્રમાં ફેંકાઈ જા,' અને તેમ થશે! 22 તેથી વધુ, જ્યારે પણ તમે ઈશ્વર પાસે કંઇક માગવા માટે પ્રાર્થના કરો, ત્યારે જો તમે એવો વિશ્વાસ કરો કે તેઓ તમને તે આપશે, તો તમે તે તેમની પાસેથી પામશો."

23 તે પછી, ઈસુ ભક્તિસ્થાનના આંગણામાં ગયા. જ્યારે તેઓ લોકોને શીખવી રહ્યા હતા, ત્યારે મુખ્ય યાજકો અને લોકોના વડીલો તેમની પાસે ગયા. તેમણે પૂછ્યું, "તમે આ બધી બાબતો કયા અધિકારથી કરી રહ્યા છો? તમે ગઈકાલે અહીં જે કર્યું તે કરવાનો અધિકાર તમને કોણે આપ્યો?" 24 ઈસુએ તેઓને કહ્યું, "હું પણ તમને એક પ્રશ્ન પૂછીશ, અને જો તમે મને તેનો જવાબ આપો, તો હું તમને કહીશ કે આ બધી બાબતો કરવાનો અધિકાર મને કોણે આપ્યો છે. 25 યોહાન બાપ્તિસ્મીની પાસે જેઓ આવતા હતા તેમને બાપ્તિસ્મા આપવાનો અધિકાર તેને ક્યાંથી મળ્યો હતો? શું તેને તે ઈશ્વર તરફથી મળ્યો હતો કે લોકો તરફથી?' મુખ્ય યાજકો અને વડીલોએ શો જવાબ આપવો તે વિષે માંહોમાંહે એકબીજા સાથે ચર્ચા કરી. તેઓએ એકબીજાને કહ્યું, "જો આપણે કહીએ, 'તે ઈશ્વર તરફથી હતો,' તો તે આપણને કહેશે, 'તો પછી તમારે તેના સંદેશ પર વિશ્વાસ કરવો જોઈતો હતો!' 26 પરંતુ જો આપણે કહીએ, 'તે લોકો તરફથી હતો,' તો કદાચ ટોળું આપણી વિરુદ્ધ હિંસક રીતે વર્તે, કારણ કે બધા જ લોકો માને છે કે યોહાન ઈશ્વર દ્વારા મોકલાવમાં આવેલો પ્રબોધક હતો." 27 તેથી તેમણે ઈસુને જવાબ આપ્યો, "યોહાનને ક્યાંથી અધિકાર મળ્યો તે અમે જાણતા નથી." પછી ઈસુએ તેઓને કહ્યું, "કેમ કે તમે મારા પ્રશ્નનો જવાબ નથી આપ્યો, માટે મેં જે બાબતો અહીં ગઈકાલે કરી તે કરવા માટે મને કોણે અધિકાર આપ્યો તે હું તમને કહીશ નહિ."

28 "હું તમને જે કહેવાનો છું તે વિષે તમે શું વિચારો છો તે મને કહો. એક માણસ હતો જેને બે દીકરા હતા. તે તેના મોટા દીકરા પાસે ગયો અને કહ્યું, 'મારા દીકરા, જા અને આજે મારી દ્રાક્ષાવાડીમાં કામ કર!' 29 પરંતુ દીકરાએ તેના પિતાને કહ્યું, 'હું જઈશ નહીં!' પરંતુ પછીથી તેણે પોતાનો વિચાર બદલ્યો, અને તે દ્રાક્ષાવાડીમાં ગયો અને કામ કર્યું. 30 ત્યારપછી પિતા તેના નાના દીકરા પાસે ગયો અને મોટા દીકરાને જે કહ્યું હતું તે તેને કહ્યું. તે દીકરાએ કહ્યું, 'સાહેબ, હું જઈશ અને આજે દ્રાક્ષાવાડીમાં કામ કરીશ.' પરંતુ તે ત્યાં ગયો નહિ. 31 તેથી તે માણસના બે દીકરામાંથી કોણે તેમના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું?" તેઓએ જવાબ આપ્યો, "મોટા દીકરાએ." પછી ઈસુએ તેઓને કહ્યું, "તેથી આ વિષે વિચાર કરો: ઈશ્વર તમારા પર રાજ કરવા સંમત થાય તેના કરતા કર ઉઘરાવનારા અને ગણિકાઓ પર રાજ કરવા ઝડપથી સંમત થશે અને તે દ્વારા દયા દર્શાવશે. જો કે તમે એવા લોકોનો તિરસ્કાર કરો છો કારણ કે તેઓ મૂસાના નિયમને અવગણે છે તો પણ તે સાચું છે. 32 હું તમને આ કહું છું કારણ કે, યોહાન બાપ્તિસ્મીએ તમને સમજાવ્યું કે કેવી રીતે સાચા માર્ગે જીવવું તે છતાં, તમે તેના સંદેશ પર વિશ્વાસ કર્યો નહિ. પરંતુ કર ઉઘરાવનારાએ અને ગણિકાઓએ તેના સંદેશ પર વિશ્વાસ કર્યો, અને તેઓ તેમના પાપી વર્તનથી પાછા ફર્યા. તેનાથી વિરુદ્ધ, તમે જોયું કે તેઓ બદલાયા છે તેમ છતાં, તમે પાપ કરવાનું બંધ કરવાનો ઇનકાર કર્યો, અને તમે યોહાનના સંદેશ પર વિશ્વાસ કર્યો નહિ."

33 "હું તમને જે બીજું ઉદાહરણ કહું તે સાંભળો. એક જમીનદાર હતો જેણે દ્રાક્ષાવાડી રોપી. તેણે તેની આસપાસ વાડ બાંધી. તેણે દ્રાક્ષમાંથી નીકળતા રસને એકઠો કરવા માટે એક જગ્યા તૈયાર કરી. તેણે એક બુરજ પણ બાંધ્યો કે જેમાં બેસીને કોઈ દ્રાક્ષાવાડીની ચોકી કરી શકે. તે દ્રાક્ષાવાડીની સંભાળ રાખી શકે તેવા અને બદલામાં તેને થોડી દ્રાક્ષ આપે તેવા માણસોને તેણે તે ભાડે આપી. પછી તે બીજા દેશમાં ગયો. 34 જ્યારે દ્રાક્ષ ઉતારવાનો સમય આવ્યો, ત્યારે તેણે તેના કેટલાક ચાકરોને જે માણસો તેની દ્રાક્ષાવાડીની સંભાળ રાખતા હતા તેઓની પાસે દ્રાક્ષાવાડીએ ઉત્પન્ન કરેલી દ્રાક્ષમાંથી તેનો હિસ્સો લેવા માટે મોકલ્યા. 35 પરંતું ભાડુઆતોએ ચાકરોને પકડી લીધા. તેઓમાંના એકને તેઓએ માર્યો, બીજાને તેઓએ મારી નાખ્યો, અને તેઓમાંના ત્રીજાને પથ્થરો મારીને મારી નાખ્યો. 36 તેથી જમીનદારે અગાઉ મોકલ્યા હતા તેના કરતાં વધારે ચાકરો મોકલ્યા. ભાડુઆતોએ તે ચાકરો સાથે પણ અગાઉના ચાકરો સાથે કર્યો હતો તેવો જ વર્તાવ કર્યો. 37 આ સાંભળ્યા પછી, જમીનદારે તેના પોતાના દીકરાને ભાડુઆતો પાસે પોતાની દ્રાક્ષનો હિસ્સો લેવા માટે મોકલ્યો. જ્યારે તેણે તેને મોકલ્યો, ત્યારે તેણે પોતાને કહ્યું, 'તેઓ મારા દીકરાને ચોક્કસ માન આપશે અને તેને મારી દ્રાક્ષનો હિસ્સો આપશે.' 38 પરંતુ જ્યારે ભાડુઆતોએ તેના દીકરાને આવતો જોયો, ત્યારે તેઓએ એકબીજાને કહ્યું, 'આ માણસ તો દ્રાક્ષાવાડીનો વારસ બનશે! ચાલો આપણે ભેગા મળીને તેને મારી નાખીએ અને આપણી મધ્યે તે સંપત્તિના ભાગ કરી લઈએ.' 39 તેથી તેઓએ તેને પકડ્યો, દ્રાક્ષાવાડીની બહાર ઢસડી ગયા, અને મારી નાખ્યો. 40 હવે હું તમને પૂછું છું, જ્યારે જમીનદાર તેની દ્રાક્ષાવાડીમાં પાછો ફરશે, ત્યારે તે ભાડુઆતોનું જે કરશે તે વિષે તમે શું વિચારો છો?" 41 લોકોએ જવાબ આપ્યો, "જમીનદાર તે દુષ્ટ માણસોનો સંપૂર્ણપણે નાશ કરશે! પછી તે દ્રાક્ષાવાડી બીજાઓને ભાડે આપશે કે જ્યારે દ્રાક્ષ પાકે ત્યારે તેઓ તેને તેનો હિસ્સો આપે." 42 ઈસુએ તેઓને કહ્યું, "શાસ્ત્રવચનમાં તમે આ શબ્દો વાંચો છો તેના વિષે તમારે ધ્યાનથી વિચારવાની જરૂર છે:
'જે માણસો એક મોટી ઇમારત બાંધતા હતા તેઓએ એક નિશ્ચિત પથ્થરને પડતો મૂક્યો. પરંતુ બીજાઓએ તે જ પથ્થરને તેના યોગ્ય સ્થાને મૂકયો, અને તે ઇમારતનો સૌથી મુખ્ય પથ્થર બન્યો. પ્રભુએ આ કર્યું છે, અને જ્યારે આપણે તેને જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય અનુભવીએ છીએ.'

43 તેથી હું તમને આ કહું છું: ઈશ્વર હવે પછીથી તમને પોતાના લોકો તરીકે રહેવા દેશે નહિ. તેના બદલે, ઈશ્વર જે કરાવવા ઇચ્છે તે બાબતો જે લોકો કરે છે તેઓને તેઓ પોતાના લોકો તરીકે લેશે. 44 જે કોઈ આ પથ્થર પર પડશે તેના ટુકડા થઈ જશે, અને આ પથ્થર જે કોઈના પર પડશે તેને તે છૂંદી નાખશે."

45 જ્યારે મુખ્ય યાજકો અને વડીલો કે જેઓ ફરોશીઓ હતા તેમણે આ ઉદાહરણ સાંભળ્યું, ત્યારે તેઓને ભાન થયું કે તેઓ તેમના પર આરોપ મૂકી રહ્યા હતા કારણ કે તે મસીહ છે તેવો વિશ્વાસ તેઓ કરતા ન હતા. 46 તેઓ તેમની ધરપકડ કરવા માગતા હતા, પરંતુ તેમણે તેમ કર્યું નહીં કારણ કે જો તેઓ તેમ કરે તો લોકોનું ટોળું શું કરી નાખે તેનાથી તેઓ ડરતા હતા, કારણ કે ટોળું માનતું હતું કે ઈસુ પ્રબોધક છે.