20
1
ઈશ્વર જેવી રીતે સ્વર્ગમાંથી શાસન કરે છે, તેને સંપત્તિના એક માલિકે શું કર્યું તેની સાથે સરખાવવામાં આવ્યું છે. વહેલી સવારમાં સંપત્તિનો માલિક બજારમાં ગયો, જ્યાં જે લોકોને કામ જોઈતું હતું તેઓ ભેગા થયેલા હતા. તે ત્યાં તેની દ્રાક્ષાવાડીમાં કામ કરવા માટે મજૂરો ભાડે રાખવા માટે ગયો હતો.
2
તેણે જે માણસોને ભાડે રાખ્યા તેઓને વચન આપ્યું કે તે તેમને એક દિવસ કામ કરવા માટેના ધોરણ મુજબનું વેતન આપશે. પછી તેણે તેઓને તેની દ્રાક્ષાવાડીમાં મોકલ્યા.
3
સવારના નવ વાગ્યે તે ફરીથી બજારમાં ગયો. ત્યાં તેણે જેમની પાસે કામ ન હોય તેવા વધારે માણસો જોયા.
4
તેણે તેઓને કહ્યું, 'બીજા માણસોની જેમ તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જાઓ, અને ત્યાં કામ કરો. હું તમને જે કંઈ યોગ્ય હશે તે વેતન આપીશ.' તેથી તેઓ પણ તેની દ્રાક્ષાવાડીમાં ગયા અને કામ કરવાનું શરૂ કર્યું.
5
બપોરે ત્રણ વાગ્યે ફરીથી તે બજારમાં ગયો અને તેને બીજા મજૂરો મળ્યા કે જેમને તેણે વાજબી વેતન આપવાનું વચન આપ્યું.
6
પાંચ વાગ્યે તે ફરીથી બજારમાં ગયો અને ત્યાં કેટલાક માણસોને ઊભેલા જોયા કે જેઓની પાસે કામ ન હતું. તેણે તેઓને કહ્યું, 'તમે આખો દિવસ અહીં કેમ ઊભા છો અને કામ કરતા નથી?'
7
તેઓએ તેને કહ્યું, 'કારણ કે કોઈએ અમને કામ કરવા રાખ્યા નહિ.' તેણે તેમને કહ્યું, "હું તમને મજૂરી કરવા રાખીશ. બીજા માણસોની જેમ મારી દ્રાક્ષાવાડીમાં જાઓ, અને ત્યાં કામ કરો.' તેથી તેઓ ગયા.
8
જ્યારે સાંજ પડી ત્યારે, દ્રાક્ષાવાડીના માલિકે તેના સંચાલકને કહ્યું, 'માણસોને બોલાવ કે જેથી તું તેઓને તેમનું વેતન આપે. પ્રથમ, જેઓએ છેલ્લે કામ કરવાનું શરૂ કર્યું છે તેઓને ચૂકવજે, અને જે લોકોએ પહેલાં કામ કરવાનું શરૂ કર્યું તેઓને છેલ્લે ચૂકવજે.'
9
જે દરેકે બપોરના પાંચ વાગ્યા પછી કામ કરવાનું શરૂ કર્યું હતું તેમને સંચાલકે ધોરણ મુજબનું એક દિવસનું વેતન ચૂકવ્યું.
10
જે લોકોએ વહેલી સવારથી કામ કરવાનું શરૂ કર્યું હતું તેઓ તેમનું વેતન લેવા ગયા, ત્યારે તેઓએ વિચાર્યું કે તેઓને ધોરણ મુજબનાં વેતન કરતા વધારે મળશે. પરંતુ તેઓને પણ ધોરણ મુજબનું જ વેતન મળ્યું.
11
તેથી તેઓએ દ્રાક્ષાવાડીનાં માલિકને ફરિયાદ કરી કારણ કે તેઓને લાગ્યું કે તેમની ચૂકવણી ગેરવાજબી હતી.
12
તેઓએ તેને કહ્યું, 'તમે ઉચિત રીતે વર્તી રહ્યા નથી! જે માણસોએ અમારા પછી કામ કરવાનું શરૂ કર્યું તેમણે માત્ર એક જ કલાક કામ કર્યું! તેં અમને જેટલું ચૂકવ્યું તેટલું જ વેતન તેઓને પણ ચૂકવ્યું! પરંતુ અમે આખો દિવસ સખત મહેનત કરી છે. અમે દિવસના સૌથી ગરમ સમયમાં પણ કામ કર્યું!'
13
જેઓએ ફરિયાદ કરી તેઓમાંના એકને દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું, 'મિત્ર, મેં તારી સાથે ગેરવાજબી વર્તાવ કર્યો નથી. તું મારી સાથે એક દિવસના ધોરણ મુજબના વેતન પ્રમાણે આખો દિવસ કામ કરવા સંમત થયો હતો.
14
મને ફરિયાદ કરવાનું બંધ કર! તારું વેતન લે અને જા! જે માણસોએ તમે બધાએ કામ કરવાનું શરૂ કર્યા પછી કામ કરવાનું શરૂ કર્યું તેમને હું તમને જેટલું વેતન આપ્યું તેટલું જ આપવા માગુ છું.
15
મારાં નાણાંં મારી ઇચ્છા પ્રમાણે વાપરવાનો મને ચોક્કસપણે અધિકાર છે, શું મને અધિકાર નથી? મારી ઉદારતા વિષે તારે ઈર્ષા કરવાની હોય નહિ!'"
16
"તેવી જ રીતે, હમણાં જેઓ બિનમહત્વપૂર્ણ લાગે છે તેવાં લોકોને ઈશ્વર સારો બદલો આપશે, અને જેઓ હમણાં મહત્વપૂર્ણ લાગે છે તેવા લોકોને ઈશ્વર સારો બદલો આપશે નહિ."
17
જ્યારે ઈસુ બાર શિષ્યો સાથે યરુશાલેમ જવાના રસ્તા પર ચાલી રહ્યા હતા, ત્યારે તેઓ તેમની સાથે એકાંતમાં વાત કરવા તેમને એક સ્થળે લઇ ગયા. પછી તેમણે તેઓને કહ્યું,
18
"ધ્યાનથી સાંભળો! આપણે હમણાં યરુશાલેમ જઈએ છીએ. આપણે ત્યાં હોઈશું, ત્યારે મુખ્ય યાજકો અને જેઓ યહૂદી નિયમ શીખવે છે તે માણસો મને, માણસના દીકરાને, પકડે માટે કોઈક વ્યક્તિ તેઓને મદદ કરશે અને તેઓ મારા પર મુકદ્દમો ચલાવશે. તેઓ મારો તિરસ્કાર કરશે અને કહેશે કે મારે મરણ પામવું જોઈએ.
19
પછી તેઓ મને બિન-યહૂદીઓના હાથમાં સોંપશે કે જેથી તેઓ મારી મજાક ઉડાવી શકે, કોરડા મારી શકે, અને વધસ્તંભે ખીલાએ જડીને મને મારી નાખી શકે. પરંતુ તે પછીના ત્રીજા દિવસે, ઈશ્વર મને સજીવન કરશે."
20
ત્યાર પછી ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાનની મા, તેના બે દીકરાઓને ઈસુ પાસે લાવી. તે ઈસુની આગળ નમી અને તેમને તેની તરફેણ કરવા કહ્યું.
21
ઈસુએ તેને કહ્યું, "તું શું ઇચ્છે છે કે તે હું તારા માટે કરું?" તેણે તેમને કહ્યું, "જ્યારે તમે રાજા બનો ત્યારે મારા આ બે દીકરાઓને સૌથી આદરણીય જગ્યાએ બેસવા માટે પસંદ કરજો, એકને તમારે જમણે હાથે અને બીજાને તમારે ડાબે."
22
ઈસુએ તેને અને તેના દીકરાઓને કહ્યું, "તમે શું માગી રહ્યા છો તે તમે સમજતાં નથી. જેમ હું સહન કરવાનો છું તેમ શું તમે સહન કરી શકશો?" યાકૂબ અને યોહાને તેમને જવાબ આપ્યો, "હા, અમે તેમ કરવા સક્ષમ છીએ."
23
પછી ઈસુએ તેઓને કહ્યું, "હા, હું જેમ સહન કરીશ તેમ તમે પણ સહન કરશો. પરંતુ કોણ મારી બાજુમાં બેસશે અને કોણ મારી સાથે રાજ કરશે તે પસંદ કરનાર હું નથી. ઈશ્વર, મારા પિતા, જેઓને નીમશે તેઓને તે જગ્યાઓ આપશે."
24
યાકૂબ અને યોહાને જે વિનંતી કરી હતી તે જ્યારે બીજા દસ શિષ્યોએ સંભાળ્યું ત્યારે તેઓ તેમના પર ખૂબ ગુસ્સે થયા કારણ કે તેઓ પણ ઈસુ સાથે સૌથી આદરણીય સ્થાનો પરથી રાજ કરવા ઇચ્છતા હતા.
25
તેથી ઈસુએ તે સર્વને બોલાવ્યા અને તેઓને કહ્યું, "તમે જાણો છો કે જેઓ બિન-યહૂદીઓ પર રાજ કરે છે તેઓ પોતે શક્તિશાળી છે તેવું તેમને બતાવવામાં આનંદ અનુભવે છે. તેઓના મુખ્ય શાસકો તેમની હેઠળના લોકો પર હુકમ ચલાવવામાં આનંદ અનુભવે છે.
26
તમારે તેઓના જેવા થવું જોઈએ નહિ. તેનાથી વિરુદ્ધ, તમારામાંના દરેક જેઓ ઇચ્છે છે કે ઈશ્વર તેમને મહાન ગણે તેમણે બાકી બધાના ચાકર થવું જોઈએ.
27
હા, અને તમારામાંના દરેક જેઓ ઇચ્છે છે કે ઈશ્વર તેમને સૌથી મહત્વનાં ગણે તેમણે બાકી બધાનાં સેવક થવું જોઈએ.
28
તમારે મારું અનુસરણ કરવું જોઈએ. હું માણસનો દીકરો છું તેમ છતાં, હું બીજાઓ પાસે મારી સેવા કરાવવા આવ્યો નથી. તેનાથી વિરુદ્ધ, હું તેઓની સેવા કરવા માટે અને તેઓને મારી હત્યા કરવાની અનુમતિ આપવા માટે આવ્યો છું, કે જેથી મારું મરણ પામવું તે ઘણા લોકોને તેમના પાપની શિક્ષામાંથી બચાવવા માટેની ચૂકવણી જેવું થાય."
29
જ્યારે તેઓ યરીખો શહેરથી જઈ રહ્યા હતા, ત્યારે લોકોનું એક મોટું ટોળું તેમની પાછળ ગયું.
30
જ્યારે તેઓ ચાલતા હતા, ત્યારે તેઓએ બે અંધ માણસોને રસ્તાની બાજુએ બેઠેલાં જોયા. જ્યારે લોકોએ સાંભળ્યું કે ઈસુ પસાર થઇ રહ્યા છે, ત્યારે તેઓએ તેમને બૂમ પાડી, "પ્રભુ, દાઉદ રાજાના વંશજ, તમે મસીહ છો! અમારા પર દયા કરો!"
31
ટોળામાંના લોકોએ તેમને ધમકાવ્યા અને તેમને શાંત રહેવા કહ્યું. પરંતુ અંધજનોએ વધારે જોરથી બૂમ પાડી, "પ્રભુ, દાઉદ રાજાના વંશજ, તમે મસીહ છો! અમારા પર દયા કરો!"
32
ઈસુ થોભ્યા અને તેઓને પોતાની પાસે આવવા માટે બોલાવ્યા. પછી તેઓએ તેમને કહ્યું, "તમે શું ઈચ્છો છો કે તે હું તમારા માટે કરું?"
33
તેઓએ તેમને કહ્યું, "પ્રભુ, અમારી આંખો સાજી કરો કે જેથી અમે જોઈ શકીએ!"
34
ઈસુ તેઓને માટે દિલગીર થયા અને તેઓની આંખોને સ્પર્શ્યા. તેઓ તરત જ દેખતા થયા અને ઈસુની પાછળ ગયા.