8
1
જ્યારે ઈસુ પહાડ પરથી ઊતર્યા, ત્યારે મોટો સમુદાય તેમની પાછળ ગયો.
2
ઈસુએ સમુદાયને વિદાય આપી ત્યારબાદ, એક માણસ કે જેને ચામડીનો રોગ થયો હતો તે આવ્યો અને તેમની આગળ ઘૂંટણ પડ્યો. તેણે ઈસુને કહ્યું, "પ્રભુ, કૃપા કરીને મને સાજો કરો, કારણ કે હું જાણું છું કે જો તમે ઇચ્છો તો તમે મને સાજો કરવા સક્ષમ છો."
3
પછી ઈસુએ પોતાનો હાથ લાંબો કર્યો અને તે માણસને સ્પર્શ કર્યો. તેમણે તેને કહ્યું, "હું તને સાજો કરવા ઈચ્છું છું, અને હમણાં જ હું તને સાજો કરું છું!"
4
પછી ઈસુએ તેને કહ્યું, "હવે ધ્યાન રાખ કે મેં તને સાજો કર્યો, તે યાજક સિવાય કોઈને કહીશ નહીં. પછી યરુશાલેમના ભક્તિસ્થાને જા અને મૂસાના જણાવ્યા મુજબ અર્પણ ચઢાવ કે લોકો તે વિષે જાણે."
5
જ્યારે ઈસુ કપર-નાહૂમ શહેરમાં ગયા ત્યારે, એક રોમન અધિકારી જે સો સૈનિકોનો ઉપરી હતો તે તેમની પાસે આવ્યો. તેણે ઈસુ પાસે મદદ માંગી.
6
તેણે તેમને કહ્યું, "પ્રભુ, મારો નોકર ઘરે ખાટલામાં લકવાગ્રસ્ત થઈને પડેલો છે, અને તેને સખત પીડા થાય છે."
7
ઈસુએ તેને કહ્યું, "હું તારા ઘરે આવીને તેને સાજો કરીશ."
8
પરંતુ તે અધિકારીએ તેમને કહ્યું, "તમે મારા ઘરે આવો તે માટે હું લાયક નથી. તેના બદલે, માત્ર એમ કહો કે મારો નોકર સાજો થયો છે, અને તે સાજો થશે.
9
તેવું જ મારી સાથે પણ છે. હું સૈનિક છું; મારે મારા સેનાપતિને આધીન થવું પડે છે, અને મારી પાસે પણ સૈનિકો છે કે જેઓને હું આજ્ઞા આપું છું. જ્યારે હું તેઓમાંના એકને કહું છું 'જા!' તે જાય છે. જ્યારે હું બીજાને કહું છું 'આવ!' તે આવે છે. જ્યારે હું મારા નોકરને કહું, 'આ કર!' તે તે કરે છે."
10
જ્યારે ઈસુએ આ સાંભળ્યું, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. જે ટોળું તેમની સાથે ચાલતું હતું તેઓને તેમણે કહ્યું, "આ સાંભળો: આ બિનયહૂદી માણસ મારા પર જેટલો વિશ્વાસ કરે છે તેટલો વિશ્વાસ મારા પર કરનાર કોઈ મને મળ્યું નથી. ઇઝરાયલ, કે જ્યાં હું આશા રાખું છું કે તે લોકો મારા પર વિશ્વાસ કરે ત્યાં પણ મને કોઈ મળ્યું નથી, શું મને કોઈ એવું મળ્યું કે જે મારા પર આટલો બધો વિશ્વાસ કરે!
11
હું તમને ખરેખર કહું છું કે બીજા ઘણા બિનયહૂદીઓ પણ મારા પર વિશ્વાસ કરશે, અને તેઓ દૂર દેશોથી એટલે પૂર્વ અને પશ્ચિમ સહિતના દૂર દેશોથી આવશે, અને જ્યારે ઈશ્વર સ્વર્ગમાંથી સંપૂર્ણપણે સર્વસ્વ પર રાજ કરશે ત્યારે ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની સાથે તેઓ જમવા બેસશે.
12
પરંતુ જે યહૂદીઓ પર ઈશ્વરે રાજ કરવાનું ધાર્યું તેમને તો તેઓ ઘોર નર્કના અંધકારમાં નાંખશે. તેઓની વેદનાના કારણે તેઓ રડશે, અને તેઓની સખત પીડાના કારણે તેઓ દાંત પીસશે."
13
પછી ઈસુએ તે અધિકારીને કહ્યું, "ઘરે જા. તેં જે વિશ્વાસ કર્યો છે તે પ્રમાણે થશે." પછી તે અધિકારી ઘરે ગયો અને તેણે જોયું કે તેનો નોકર ઈસુએ કહ્યું હતું કે તેઓ તેને સાજો કરશે તે જ સમયે સાજો થયો હતો.
14
જ્યારે ઈસુ અને તેમના કેટલાક શિષ્યો પિતરના ઘરે ગયા, ત્યારે ઈસુએ પિતરની સાસુને જોઈ. તેને તાવ આવ્યો હતો માટે તે ખાટલામાં સૂતી હતી.
15
તેમણે તેનો હાથ પકડ્યો, અને તરત જ તેનો તાવ જતો રહ્યો. પછી તે ઊભી થઇ અને તેઓને ખોરાક આપી તેણે તેઓની સરભરા કરી.
16
તે સાંજે જ્યારે વિશ્રામવાર પૂરો થયો, ત્યારે લોકોએ જે લોકો દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓને, અને બીજા જેઓ બીમાર હતા તેઓને તેમની પાસે લાવ્યા.
17
જ્યારે તેમણે આ પ્રમાણે કર્યું, ત્યારે યશાયા પ્રબોધકે જે લખ્યું હતું તે સાચું ઠર્યું, 'તેમણે લોકોને માંદગીમાંથી મુક્ત કર્યા, અને તેમણે તેઓને સાજા કર્યા.'
18
જ્યારે ઈસુએ તેમની આસપાસના ટોળાને જોયું ત્યારે તેમણે શિષ્યોને કહ્યું કે તેઓ તેમને સરોવરની બીજી બાજુએ લઈ જાય.
19
જે વખતે તેઓ હોડી તરફ જઈ રહ્યા હતા, ત્યારે એક માણસ કે જે યહૂદી નિયમો શીખવતો હતો તે તેમની પાસે આવ્યો અને કહ્યું, "ગુરુજી, તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવીશ."
20
ઈસુએ તેને ઉત્તર આપ્યો, "શિયાળોને રહેવા માટે જમીનમાં દર હોય છે, અને પક્ષીઓને રહેવા માળા, પણ જો કે હું માણસનો દીકરો છું, તો પણ મારી પાસે ઘર નથી કે જ્યાં હું સૂઈ શકું."
21
બીજો માણસ કે જે ઈસુનો શિષ્ય હતો તેણે તેમને કહ્યું, "પ્રભુ, મને ઘરે જવા મંજૂરી આપો. મારા પિતા મરણ પામે ત્યારે હું તેમનું દફન કરું, અને પછી હું તમારી સાથે આવીશ."
22
પરંતુ ઈસુએ તેને કહ્યું, "હમણાં મારી સાથે આવ. જેઓ મરણ પામ્યા હોય તેવા લોકો છે તેઓને તેમના લોકોના મરણ પામવાની રાહ જોવા દે."
23
પછી ઈસુ હોડીમાં ચઢ્યા અને તેમના શિષ્યો તેમની પાછળ ગયા.
24
અચાનક પાણી પર ભારે પવન ફૂંકાયો, અને ખૂબ ઊંચા મોજાં ઊછળ્યા અને હોડીને ભરવા લાગ્યાં. પરંતુ ઈસુ ઊંઘતાં હતા.
25
તેઓ ઈસુની પાસે આવ્યા, તેમને ઉઠાડ્યા અને તેમને કહ્યું, "પ્રભુ, અમને બચાવો! અમે ડૂબી રહ્યા છીએ!"
26
તેમણે તેઓને કહ્યું, "તમારે ગભરાવું ન જોઈએ! હું તમને બચાવી શકું તેવો તમે પૂરતો વિશ્વાસ કરતા નથી." પછી તેઓ ઊઠ્યા અને પવનને ધમકાવ્યો અને મોજાઓને શાંત રહેવા કહ્યું. તરત જ પવન ફૂંકાતો બંધ થયો અને પાણી શાંત થયું.
27
તે માણસો આશ્ચર્યચકિત થયા, અને તેઓએ એકબીજાને કહ્યું, "આ માણસ નક્કી એક અદ્દભુત વ્યક્તિ છે! સઘળી બાબતો તેમના નિયંત્રણમાં છે! પવન અને મોજાઓ પણ તેમનું માને છે!"
28
જ્યારે તેઓ સરોવરની પૂર્વ બાજુએ આવ્યા, ત્યારે તેઓ જ્યાં ગાડરેનેસના લોકો રહેતા હતા ત્યાં આવી પહોચ્યાં. પછી બે માણસો કે જેઓ દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓ જ્યાં રહેતા હતા તે દફનની ગુફાઓમાંથી બહાર આવ્યા. કોઈ તે રસ્તેથી મુસાફરી કરવાની હિંમત કરતું ન હતું, કારણ કે તેઓ ઘણા જ હિંસક હતા અને હુમલો કરતા હતા.
29
એકાએક તેઓએ ઈસુને બૂમ પાડી, "તમે ઈશ્વરના પુત્ર છો! અમને એકલા છોડી દો, કારણ કે આપણી વચ્ચે શી તકરાર છે? જે સમય ઈશ્વરે અમને શિક્ષા કરવા માટે નક્કી કર્યો છે તે સમય અગાઉ તમે શું અમને ત્રાસ પમાડવા આવ્યા છો?"
30
ત્યાં નજીકમાં જ ભૂંડોનું મોટું ટોળું ચરતું હતું.
31
દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરીને કહ્યું, "તમે અમને આ માણસમાંથી બહાર કાઢવાના છો, તેથી અમને તે ભૂંડોમાં જવા દો!"
32
ઈસુએ તેઓને કહ્યું, "જો તમે ત્યાં જવા ઇચ્છતા હો, તો જાઓ!" તેથી દુષ્ટાત્માઓ તે માણસને છોડીને ભૂંડોમાં ગયા. એકાએક તે આખું ટોળું કિનારેથી સમુદ્રમાં ધસી પડ્યું અને ડૂબી ગયું.
33
જે લોકો ભૂંડોને સાચવતા હતા તેઓ ગભરાયા અને નગરમાં દોડી ગયા, અને તે બે માણસો કે જેઓ દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓને જે થયું તે સહિત જે સર્વ બન્યું તે તેઓએ જણાવ્યું.
34
પછી જાણે કે તે શહેરમાં રહેનારા સર્વ ઈસુને મળવા ગયા. જ્યારે તેઓએ તેમને અને તે બે વ્યક્તિ કે જેઓ દુષ્ટાત્માઓના નિયંત્રણમાં હતા તેઓને જોયા, ત્યારે તેઓએ ઈસુને વિનંતી કરી કે તેઓ તેમનો પ્રદેશ છોડીને જાય.