7

1 બીજાઓ કેવી પાપમય રીતે વર્ત્યા છે તે સંબંધી વાત ન કરો, કે જેથી ઈશ્વર એમ ન કહે કે તમે કેવી પાપમય રીતે વર્ત્યા છો. 2 જો તમે બીજા લોકોને દોષિત ઠરાવશો, તો ઈશ્વર તમને દોષિત ઠરાવશે. જેટલી હદ સુધી તમે બીજાઓને દોષિત ઠરાવો છો, તેટલી હદ સુધી તમને દોષિત ઠરાવવામાં આવશે. 3 તમારામાંના કોઈએ બીજાઓના નાના દોષ વિષે ચિંતા કરવી નહીં! આ તો એવું હશે કે જાણે તેની આંખમાંના નાના તણખલાની નોંધ લેવામાં આવે છે. પરંતુ તમારે તમારા પોતાના મોટા દોષો વિષે ચિંતા કરવી જોઈએ કારણ કે તમે તમારી આંખોમાં લાકડાના મોટા પાટિયાની નોંધ લેતા નથી. 4 જ્યારે તમારી પોતાની જ આંખોમાં લાકડાનું પાટિયુ હોય ત્યારે, તમે બીજા લોકોને તેઓના નાના દોષ વિષે કહેશો નહિ કે, 'લાવ મને તારી આંખમાંનું તણખલું કાઢવા દે!' 5 જો તમે તેમ કરો, તો તમે ઢોંગી છો! તમે બીજાની આંખમાંથી તણખલું કાઢો તે અગાઉ તમારે તમારી પોતાની જ આંખોમાંનું લાકડાનું પાટિયુ કાઢવાની જરૂર છે.

6 "જે ઈશ્વરનું છે તેને તમે કૂતરાને કે જેઓ તમારા ઉપર હુમલો કરે તેઓને આપતા નથી. અને તમે મૂલ્યવાન મોતી ડુક્કર આગળ નાખતા નથી, કારણ કે તેઓ તેના ઉપર ચાલશે. તેવી જ રીતે, ઈશ્વર વિષેની અદ્દભુત બાબતો એવા લોકોને ના કહેશો કે જેઓ બદલામાં તમારા માટે દુષ્ટ બાબતો કરે.

7 "તમારે જેની જરૂર છે તે ઈશ્વર પાસે માગતા રહો, અને આશા રાખો કે તેઓ તમને તે આપશે. 8 કેમ કે જે લોકો ઈશ્વર પાસે કંઈ માગે છે, અને આશા રાખે છે કે તેઓ તેમને તે આપશે, તેઓ સર્વ તે પામશે.

9 જો તમારો દીકરો તમારી પાસે રોટલી માંગે, તો તમારામાંનો કોઈ તેને પથ્થર નહીં આપે, આપશે શું? 10 જો તમારો દીકરો તમારી પાસે માછલી માગે, તો તમારામાંનો કોઈ તેને સાપ નહીં આપે, આપશે શું? 11 તમે દુષ્ટ હોવા છતાં તમે જાણો છો કે તમારાં બાળકોને સારી વસ્તુઓ કેવી રીતે આપવી. તો ઈશ્વર, તમારા પિતા જેઓ સ્વર્ગમાં છે, તેઓ તો જેઓ તેમની પાસે માગે છે તેઓને વધુ ખાતરીપૂર્વક સારી બાબતો આપશે. 12 તેથી જેવી રીતે તમે ઇચ્છો છો કે બીજાઓ તમારા પ્રત્યે વર્તે, તેવી જ રીતે તમારે તેમના પ્રત્યે વર્તવું જોઈએ, કારણ કે ઈશ્વરના નિયમનો અને પ્રબોધકોએ ઘણા સમય અગાઉ જે સર્વ બાબતો લખી તેનો અર્થ તે જ છે.

13-14 "ઈશ્વર સાથે સદાકાળ સ્વર્ગમાં રહેવું અઘરું છે; તે તો મુશ્કેલ માર્ગે જવા જેવું છે. સૌને ગમે તેવો એક રસ્તો છે. તે રસ્તો પહોળો છે; તેના પર ચાલીને તેઓ પહોળા દરવાજે પહોંચે છે, પણ તેમાં ચાલવા દ્વારા તેઓ મરણ પામે છે. તેથી હું તમને કહું છું કે સ્વર્ગમાં સદાકાળ ઈશ્વર સાથે રહેવા માટે અઘરો રસ્તો પસંદ કરો અને સાંકડા દરવાજામાંથી પ્રવેશ કરો."

15 એવા લોકોથી સાવધ રહો કે જેઓ તમારી પાસે આવીને ખોટી રીતે કહે કે તેઓ તમને જે જણાવે છે તે તો ઈશ્વરે તેમને કહ્યું છે. તેઓ વરુઓ જેવા છે કે જેઓએ પોતાને ઘેટાંની ચામડીથી ઢાંક્યા છે કે તેઓ નિર્દોષ દેખાય પરંતુ તેઓ તમારા પર હુમલો કરશે. 16 છોડ દ્વારા ઉત્પન્ન થયેલા ફળને જોઇને તમે જાણો છો કે તે કયા પ્રકારનો છોડ છે. કાંટાળા વેલા દ્રાક્ષ ઉત્પન્ન કરી શકતા નથી અને કાંટાળા છોડ અંજીર ઉત્પન્ન કરી શકતા નથી, તેથી કોઈ કાંટાળા ઝાડ પરથી દ્રાક્ષને અથવા કાંટાળા વેલા પરથી અંજીરને તોડવાનું વિચારતું નથી. 17 આ બીજું ઉદાહરણ છે: સર્વ સારાં ફળનાં વૃક્ષ સારાં ફળ ઉત્પન્ન કરે છે, પરંતુ સંપૂર્ણ સડેલું વૃક્ષ નકામાં ફળ ઉત્પન્ન કરે છે. 18 સારું વૃક્ષ નકામું ફળ ઉત્પન્ન કરતું નથી, અને કોઈ સડેલું વૃક્ષ સારું ફળ ઉત્પન્ન કરતુ નથી. 19 સર્વ વૃક્ષ કે જે સારાં ફળ નથી આપતાં તેઓને કામદારો કાપશે અને સળગાવી નાંખશે. 20 છોડ શું ઉત્પન્ન કરે છે તે જોઇને, તમે જાણો છો કે તે કેવા પ્રકારના છોડ છે. તેવી જ રીતે, જ્યારે તમે જુઓ છો કે જે લોકો તમારી પાસે આવે છે તેઓ શું કરે છે, ત્યારે તમે જાણશો કે તેઓ ખરેખર સારું ઉત્પન્ન કરે છે કે ખરાબ.

21 જો કે ઘણા લોકો તેઓની ટેવ પ્રમાણે મને પ્રભુ કહે છે, તેઓ એવો ઢોંગ કરે છે કે તેઓ પાસે મારી સત્તા છે, તોપણ તેઓમાંના કેટલાક પર ઈશ્વર સ્વર્ગમાંથી રાજ કરવા સંમત થશે નહીં, કારણ કે જેની ઇચ્છા ઈશ્વર રાખે છે તે તેઓ કરતા નથી. જેઓ મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે માત્ર તે લોકો પર તેઓ રાજ કરવા સંમત થશે. 22 જે દિવસે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, તે દિવસે ઘણાં લોકો મને કહેશે, 'પ્રભુ, તમારા પ્રતિનિધિ તરીકે અમે ઈશ્વરનું વચન બોલ્યા છીએ! તમારા પ્રતિનિધિ તરીકે અમે લોકોમાંથી દુષ્ટાત્માઓને કાઢ્યા છે! અને તમારા પ્રતિનિધિ તરીકે, ઘણી વખત અમે પરાક્રમી કૃત્યો કર્યાં છે!' 23 પછી હું તેઓને જાહેરમાં કહીશ, 'મેં ક્યારેય કહ્યું નથી કે તમે મારા છો. તમે જેઓ દુષ્ટતા કરો છો, તેઓ મારાથી દૂર જાઓ!'"

24 માટે, હું જે કહું છું તે જે કોઈ સાંભળે અને હું જે આજ્ઞા આપું તે પ્રમાણે જે કોઈ કરે છે તે તો પથ્થર પર પોતાનું ઘર બાંધનાર ડાહ્યા માણસ જેવા થશે. 25 વરસાદ પડ્યો, નદીમાં પૂર આવ્યું, પવન ફૂંકાયો અને ઘરની વિરુદ્ધ સપાટા વાગ્યા, છતાં પણ તે પડી ગયું નહીં કારણ કે તેને નક્કર ખડક પર બાંધવામાં આવ્યું હતું. 26 બીજી તરફ, હું જે કહું છું તે જે સાંભળે છે પરંતુ મારી આજ્ઞા પાળતો નથી તે મૂર્ખ માણસ કે જે રેતી પર ઘર બાંધે છે તેના જેવો થશે. 27 જ્યારે વરસાદ પડ્યો, નદીમાં પૂર આવ્યું, પવન ફૂંકાયો અને ઘરની વિરુદ્ધ સપાટા વાગ્યા ત્યારે, તે ધસી પડ્યું અને સંપૂર્ણપણે તૂટી ગયું કારણ કે તે રેતી પર બાંધવામાં આવ્યું હતું. તેથી મેં તમને જે કહ્યું છે તે તમારે પાળવું જોઈએ.

28 જ્યારે ઈસુ તે સર્વ બાબતો શીખવી રહ્યા, ત્યારે તેઓએ કેવી રીતે શીખવ્યું તે સાંભળનાર ટોળું તેનાથી આશ્ચર્ય પામ્યું. 29 તેઓએ એક શિક્ષકની જેમ શીખવ્યું કે જેનો આધાર પોતે જે જાણે છે તેના પર છે. તેઓ યહૂદી નિયમોને શીખવનારની જેમ શીખવતા ન હતા, કે જેઓ બીજા માણસોએ શીખવેલી જુદી જુદી બાબતોનું રટણ કર્યા કરતા હતા.