4

1 પછી ઈશ્વરનો આત્મા તેમને ઉજ્જડ જગ્યાએ લઇ ગયો કે જેથી શેતાન તેમનું પરીક્ષણ કરે. 2 તેમણે ચાળીસ દિવસ અને રાત સુધી કંઈ ખાધું ન હતું, તેથી તેઓ ભૂખ્યા હતા. 3 લલચાવનાર, શેતાન, તેમની પાસે આવ્યો અને કહ્યું, "જો તું ખરેખર ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે તેઓ તારે માટે રોટલી બની જાય!" 4 પરંતુ ઈસુએ તેને કહ્યું, "ના! હું તે નહીં કરું, કારણ કે ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે, 'લોકો ખરેખર જીવે તે માટે, તેઓ પાસે ખોરાક કરતાં કંઇક વધારે હોવું જોઈએ; દરેક વચન જે ઈશ્વર બોલ્યા છે તે તેઓએ સાભળવું જોઈએ.'" 5 પછી શેતાન ઈસુને ઈશ્વરના ખાસ શહેર યરુશાલેમમાં લઈ ગયો. તે તેમને મંદિરના સૌથી ઊંચા ભાગ ઉપર લઇ ગયો 6 અને તેમને કહ્યું, "જો તું ખરેખર ઈશ્વરનો દીકરો હોય, તો જમીન પર કૂદ. તું ખરેખર ઇજા પામીશ નહિ, કારણ કે ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે,

'ઈશ્વર તેમના દૂતોને આજ્ઞા આપશે કે તેઓ તારી રક્ષા કરે.
જ્યારે તું પડતો હોઈશ ત્યારે તેઓ તને પોતાના હાથમાં ઊંચકી લેશે,
અને તેઓ તારા પગને પથ્થર સાથે અથડાવા દેશે નહિ.'"

7 પરંતુ ઈસુએ કહ્યું, "ના! હું નીચે કૂદીશ નહિ, કારણ કે ઈશ્વરે શાસ્ત્રવચનમાં આ પણ કહ્યું છે, 'તમારા ઈશ્વરને તેઓ કોણ છે તે સાબિત કરવાનું કહેશો નહિ.'" 8 પછી શેતાન તેમને પહાડની ઊંચી ટેકરી ઉપર લઇ ગયો. ત્યાં તેણે તેમને દુનિયાના સર્વ દેશ અને તે દેશોની ભવ્યતા બતાવી. 9 પછી તેણે તેમને કહ્યું, "જો તું માથું નમાવીને મારી આરાધના કરે તો હું તને આ સર્વ દેશો પર રાજ કરવા દઈશ અને તેઓમાંની ભવ્ય બાબતો તને આપીશ." 10 પરંતુ ઈસુએ તેને કહ્યું, "ના, હું તારી આરાધના નહીં કરું, શેતાન, તું જતો રહે! ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે, 'તારે માથું નમાવીને માત્ર તારા પ્રભુ ઈશ્વરનું જ ભજન કરવું અને તારે તેમની જ આરાધના કરવી!'" 11 પછી શેતાન જતો રહ્યો, અને તે જ ક્ષણે, દૂતો આવ્યા અને તેમની સેવા કરી.

12 જ્યારે ઈસુ યહૂદિયાના પ્રાંતમાં હતા, ત્યારે યોહાન બાપ્તિસ્મીના શિષ્યો આવ્યા અને તેમને કહ્યું કે હેરોદ રાજાએ યોહાનને જેલમાં પૂર્યો છે. તેથી ઈસુ ગાલીલ જીલ્લાના નાસરેથ નગરમાં પાછા આવ્યા. 13 પછી તેઓ નાસરેથ છોડી અને કપરનાહૂમ શહેરમાં ગયા કે જેથી તેઓ ત્યાં રહે. કપર-નાહૂમ ગાલીલ સમુદ્રની બાજુમાં જે પ્રદેશ અગાઉ ઝબુલોન અને નફતાલીના કુળની માલિકીનો હતો ત્યાં આવેલું છે. 14 તેઓ ત્યાં ગયા કે જેથી યશાયા પ્રબોધક દ્વારા ઘણા સમય અગાઉ લખવામાં આવેલા આ શબ્દો સાચા ઠરે:
15 "ઝબુલોન અને નફતાલીના પ્રદેશો,
તે પ્રદેશો કે જેના રસ્તા દરિયાએ થઈને જાય છે, જે યર્દન નદીની પૂર્વ બાજુએ છે, જે ગાલીલના પ્રદેશો છે, જે ઘણા બિન-યહૂદીઓનું ઘર છે!
16 જાણે કે તેઓ અંધકારમાં હોય તેમ તે લોકો ઈશ્વરને જાણતા નથી,
પરંતુ જેમ કે એક તેજસ્વી પ્રકાશ તેમના ઉપર પ્રકાશ્યો હોય, તેમ તેઓ સત્યને જાણશે.
હા, તેઓ મરણ પામવાની બીકથી ઘણા જ ભયભીત થયા છે,
પણ એક તેજસ્વી પ્રકાશ તેમના ઉપર પ્રકાશ્યો છે!"

17 તે સમયે, જ્યારે ઈસુ કપર-નાહૂમ શહેરમાં હતા, ત્યારે તેઓએ લોકોને ઉપદેશ આપવાનું શરૂ કર્યું, "સ્વર્ગમાંથી ઈશ્વરનું રાજ નજીક છે, અને જ્યારે તેઓ રાજ કરશે ત્યારે તેઓ તમારો ન્યાય કરશે. માટે પાપ કરવાનું બંધ કરો!"

18 એક દિવસ જ્યારે ઈસુ ગાલીલના સમુદ્ર પાસે ચાલી રહ્યા હતા, ત્યારે તેમણે બે માણસોને જોયા, સિમોન, જે પાછળથી પિતર કહેવાયો તેને, અને તેના નાના ભાઈ આન્દ્રિયાને. તેઓ માછલી પકડવાની તેમની જાળો પાણીમાં નાખતા હતા કારણ કે તેઓ માછલી પકડતા અને વેચતા હતા. 19 ઈસુએ તેઓને કહ્યું, "મારી પાસે આવો અને માણસોને કેવી રીતે મારા શિષ્યો બનાવવા તે હું તમને શીખવીશ. હું તમને માણસોને પકડનારા બનાવીશ." 20 તેઓએ તરત જ જે કામ તેઓ કરતા હતા તે મૂકી દઈને તેમની સાથે ગયા.

21 જ્યારે તેઓ ત્રણ ત્યાંથી જઈ રહ્યા હતા, ત્યારે ઈસુએ અન્ય બે લોકોને એટલે યાકૂબ અને તેના નાના ભાઈ યોહાનને જોયા. તેઓ તેમના પિતા ઝબ્દીની સાથે તેઓની હોડીમાં જાળો સાંધતા હતા. ઈસુએ તેઓને કહ્યું કે તેઓએ તે કામ છોડીને તેમની સાથે જવું જોઈએ. 22 તરત જ તેઓ તેમની હોડી અને તેમના પિતાને છોડીને ઈસુ સાથે ગયા.

23 ઈસુએ તે ચાર લોકોને ગાલીલના દરેક જીલ્લાઓમાં દોર્યા. તેઓ લોકોને સભાસ્થાનમાં શિક્ષણ આપતા હતા. ઈશ્વર કેવી રીતે રાજ કરે છે તે શુભ સમાચારનો તેઓ ઉપદેશ કરતા હતા. તેઓ સર્વ બીમાર લોકોને પણ સાજા કરતા હતા. 24 જ્યારે સિરિયા જીલ્લાના બીજા ભાગમાં રહેનારાઓએ તેઓ જે કરતા હતા તે સાંભળ્યું, ત્યારે જેઓ બીમારીથી પીડાતા હતા, જેઓ ઘણા પ્રકારના રોગોથી પીડાતા હતા, જેઓ સખત પીડાથી દુ:ખિત હતા, જેઓ દુષ્ટાત્માઓના અંકુશમાં હતા, જેઓ વાઈના દર્દીઓ હતા અને જેઓ લકવાગ્રસ્ત હતા તે લોકોને તેઓ તેમની પાસે લાવ્યા અને ઈસુએ તેઓને સાજા કર્યા. 25 પછી મોટો સમુદાય તેમની સાથે જવા લાગ્યો. તે લોકો ગાલીલથી, દસ નગરોમાંથી, યરુશાલેમ શહેરમાંથી, યહૂદિયાના બીજા પ્રાંતોમાંથી અને યર્દનના પૂર્વના પ્રદેશોમાંથી આવ્યા હતા.