2

1 ઈસુ યહૂદાહના પ્રાંતના બેથલેહેમ નગરમાં જનમ્યા હતા તે સમય દરમિયાન ત્યાં મહાન હેરોદ રાજા રાજ કરતો હતો. ઇસુનો જન્મ થયો તેના થોડા સમય પછી, કેટલાક માણસો ઘણે દૂરથી, પૂર્વથી યરુશાલેમ શહેરમાં આવ્યા, તેઓએ તારાઓનો અભ્યાસ કર્યો હતો. 2 તેઓએ લોકોને પૂછ્યું, "યહૂદીઓના રાજા તરીકે જન્મનાર બાળક ક્યાં છે? તેમના જન્મ વિષે અમને બતાવતા એક તારાને અમે પૂર્વમાં જોયો છે, તેથી અમે તેની આરાધના કરવા આવ્યા છીએ."

3 આ માણસોની પૂછપરછ વિષે હેરોદ રાજાએ સાંભળ્યું ત્યારે તે ઘણો ચિંતિત થયો. યરુશાલેમના ઘણા લોકોને પણ ચિંતા થઈ. 4 પછી હેરોદે તે સમયના બધા જ યાજકો અને યહૂદી નિયમોના શિક્ષકોને એકત્રિત કર્યા. તેણે તેઓને પૂછ્યું કે પ્રબોધકોની આગાહી મુજબ મસીહનો જન્મ ક્યાં થવો જોઈએ? 5 તેઓએ તેને કહ્યું, "તેઓ અહીં યહૂદિયાના પ્રાંતમાં, બેથલેહેમ નગરમાં જન્મ લેશે, કારણ કે ઘણા સમય પહેલાં મીખાહ પ્રબોધકે લખ્યું હતું, 6 'જેઓ યહૂદિયાના બેથલેહેમમાં રહો છો તેઓ, જાણો કે નિશ્ચે તમારું નગર ખૂબ મહત્વનું છે, કારણ કે તમારા નગરમાંનો એક માણસ શાસક બનશે. ઇઝરાયલમાં રહેતા મારા લોકોને તે શાસક દોરશે.'"

7 ત્યારબાદ હેરોદ રાજાએ છૂપી રીતે તારાઓના અભ્યાસી લોકોને બોલાવ્યા. તેણે તેઓને તે તારો સ્પષ્ટપણે પ્રથમ વાર ક્યારે દેખાયો તે વિષે પૂછ્યું. 8 પછી તેણે તેઓને કહ્યું, "બેથલેહેમ જાઓ અને તે બાળક ક્યાં છે તે વિષે સંપૂર્ણ તપાસ કરો. જ્યારે તે તમને મળે, ત્યારે પાછા આવીને મને ખબર આપો કે જેથી હું, પોતે, પણ ત્યાં જઈને તેમની આરાધના કરી શકું."

9 ત્યારબાદ તેઓ બેથલેહેમ નગર તરફ ગયા. તેમને આશ્ચર્ય થયું કે, જ્યારે તેઓ પૂર્વના દેશમાં હતા ત્યારે તેમણે જોયેલો તારો ફરીથી તેમની આગળ ચાલતો હતો અને તે જે ઘરમાં બાળક હતું ત્યાં આવીને થોભ્યો. 10 જ્યારે તેમણે તે તારો ફરીથી જોયો, ત્યારે તેઓ ઘણા આનંદિત થયા અને તેની પાછળ ચાલ્યા. 11 તેમને તે ઘર મળ્યું, તેઓ તેની અંદર ગયા, અને તેઓએ તે બાળક તથા તેની માતા મરિયમને જોયાં. તેઓએ નમીને તેમની સ્તુતિ કરી. પછી તેઓએ તેમના ખજાનાની પેટી ખોલી અને તેને સોનું, કિંમતી લોબાન અને બોળનાં અર્પણ કર્યા. 12 પછી ઈશ્વરે તેમને સ્વપ્નમાં ચેતવ્યા કે તેઓ હેરોદ રાજા પાસે પાછા ન જાય. તેથી તેઓ પોતાના દેશમાં જવા માટે નીકળ્યા, પરંતુ તે જ રસ્તે જવાના બદલે, તેઓ બીજે રસ્તે પાછા ગયા.

13 તારાઓનો અભ્યાસ કર્યો હતો તેવા માણસોએ બેથલેહેમ છોડ્યા પછી, ઈશ્વર તરફથી મોકલેલા દૂતે સ્વપ્નમાં યૂસફને દર્શન આપ્યું. તેણે કહ્યું, "ઊઠ, બાળક અને તેની માતાને લઇને ઈજિપ્ત દેશમાં નાસી જા. જ્યાં સુધી હું તને તે દેશ છોડવાનું ન કહું ત્યાં સુધી ત્યાં રહેજે, કારણ કે હેરોદ રાજા બાળકને શોધવા અને તેની હત્યા કરવા માટે સૈનિકો મોકલવાનો છે." 14 તેથી તે જ રાત્રે યૂસફ ઊઠ્યો અને બાળક અને તેની માતાને લઇને ઈજિપ્ત જતો રહ્યો. 15 હેરોદ રાજા મરણ પામ્યો ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યા, અને પછી તેઓએ ઈજિપ્ત છોડ્યું. આ રીતે, ઈશ્વરે હોશિયા પ્રબોધકને જે લખવાનું કહ્યું હતું તે સાચું ઠર્યું,
"મેં મારા દીકરાને ઈજિપ્તમાંથી બહાર બોલાવ્યો છે."
16 હેરોદ રાજા મરણ પામ્યો તે અગાઉ તેને ભાન થયું કે તે લોકોએ તેને છેતર્યો છે, અને તે કોપાયમાન થયો. તેણે એમ વિચાર્યું હતું કે ઈસુ હજી બેથલેહેમની નજીક હશે, તેથી હેરોદે સૈનિકોને મોકલ્યા કે તેઓ બે વર્ષ અને તેથી નાનાં સર્વ બાળકોને મારી નાંખે. તારાઓના અભ્યાસી વ્યક્તિઓએ તેને જે કહ્યું હતું કે તારો પ્રથમ ક્યારે દેખાયો તેના પ્રમાણે તે બાળકની ઉંમર કેટલી હશે તેની ગણતરી હેરોદે કરી. 17 જ્યારે હેરોદે આ પ્રમાણે કર્યું, ત્યારે ઘણા સમય અગાઉ યર્મિયા પ્રબોધકે, રામાહ નજીકના બેથલેહેમ નગર માટે જે લખ્યું હતું તે સાચું ઠર્યું:
18 રામાહની સ્ત્રીઓ જોરથી આક્રંદ અને વિલાપ કરતી હતી.
રાહેલ, તે સ્ત્રીઓની પૂર્વજ, પોતાના મરણ પામેલાં બાળકો માટે રડતી હતી.
લોકોએ તેને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ આપી ન શક્યા, કારણ કે તેના સર્વ બાળકો મરણ પામ્યાં હતાં.

19 હેરોદના મરણ પછી અને જ્યારે યૂસફ અને તેનો પરિવાર હજુ ઈજિપ્તમાં જ હતા, ત્યારે યૂસફના સ્વપ્નમાં જે દૂતને ઈશ્વરે મોકલ્યો હતો તે પ્રગટ થયો. તેણે યૂસફને કહ્યું, 20 "ઊઠ, બાળકને અને તેની માતાને લઇને ઇઝરાયલ દેશમાં રહેવા માટે જા, કારણ કે જે લોકો બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તેઓ મરણ પામ્યા છે." 21 તેથી યૂસફ બાળકને અને તેની માતાને લઈને ઇઝરાયલ દેશમાં પાછો ગયો.

22 જ્યારે યૂસફે સાંભળ્યું કે હવે આર્ખિલાઉસ તેના પિતા મહાન હેરોદ રાજાની જગ્યાએ યહૂદિયાના પ્રાંતમાં રાજ કરે છે ત્યારે તે ત્યાં જતા બીધો. તેથી યૂસફ, મરિયમ અને તે બાળક ગાલીલ જીલ્લામાં ગયા. 23 તેઓ નાસરેથ નગરમાં રહેવા માટે ગયા. તેનું પરિણામ એ આવ્યું કે પ્રબોધકોએ લાંબા સમય અગાઉ જે કહ્યું હતું તે સાચું ઠરે: "લોકો કહેશે કે તેઓ નાસરેથના છે."