18
1
બરાબર તે જ સમયે શિષ્યો ઈસુ પાસે ગયા અને તેમને પૂછ્યું, "જ્યારે ઈશ્વર તમને સ્વર્ગમાંથી રાજા બનાવશે ત્યારે અમારામાંથી કોણ સૌથી મહાન થશે?"
2
ઈસુએ એક બાળકને બોલાવ્યું, અને તેમણે તે બાળકને તેઓની વચમાં ઊભું રાખ્યું.
3
તેમણે કહ્યું, "હું તમને સત્ય કહું છું: જો તમે બદલાશો નહિ અને નાના બાળકોના જેવા નમ્ર બનશો નહિ, તો ચોક્કસ તમે સ્વર્ગીય ઈશ્વરના રાજ હેઠળ આવશો નહિ.
4
જે લોકો આ બાળકના જેવા નમ્ર બનશે તેઓ જ ઈશ્વર જેઓ પર સ્વર્ગમાંથી રાજ કરશે તેઓમાં સૌથી મહત્વપૂર્ણ લોકો બનશે.
5
વળી, જ્યારે પણ લોકો મારા પરના પ્રેમને લીધે આ બાળકના જેવાઓને આવકારશે, ત્યારે તેઓ મને આવકારી રહ્યા છે તેમ ઈશ્વર ગણશે."
6
"જો કોઈ વ્યક્તિ મારા પર વિશ્વાસ રાખનારને પાપ કરવા પ્રેરે, તો લોકો ભલે તેને આ બાળકના જેવો બિનમહત્વપૂર્ણ માનતા હોય, તો પણ ઈશ્વર તે વ્યક્તિને ગંભીર શિક્ષા કરશે. કોઈ વ્યક્તિને ગળે ભારે પથ્થર બાંધીને દરિયાના ઊંડા પાણીમાં નાખી દીધો હોય તેના કરતાં પણ ખરાબ શિક્ષા તેઓ તે વ્યક્તિને કરશે.
7
જેઓ બીજાઓને પાપ કરવા પ્રેરે છે તેમના માટે તે કેટલું ભયંકર હશે. પાપ કરવા માટે હંમેશાં પરીક્ષણો આવશે, પરંતુ જે બીજાને પાપ કરવા માટે પ્રેરે છે તે કેટલું ભયંકર હશે.
8
તેથી જો તમે તમારો એક હાથ કે પગ પાપ કરવા માટે વાપરવા ઇચ્છતા હો, તો તે હાથ કે પગનો ઉપયોગ કરવાનું બંધ કરો! તમે પાપ ન કરો માટે ભલે તમારે તેને કાપી નાખવો પડે! તમારી પાસે બન્ને હાથ અને બન્ને પગ હોય અને ઈશ્વર તમને તમારા પાપને કારણે નર્કમાં અનંત અગ્નિમાં ફેંકી દે તેના કરતાં, જો તમારી પાસે માત્ર એક જ હાથ કે પગ હોય અને તોપણ તમે સદાકાળ ઈશ્વર સાથે રહો, તે કેટલું વધારે સારું છે.
9
હા, અને જો તમે જે જુઓ તે તમને પાપ કરવા પ્રેરતું હોય, તો તે બાબતો તરફ જોવાનું બંધ કરો! તમે પાપ કરતાં અટકો માટે ભલે તમારે તમારી એક આંખ કાઢીને ફેંકી દેવી પડે! તમારી પાસે બન્ને આંખો હોય અને ઈશ્વર તમને નર્કમાં અનંત અગ્નિમાં ફેંકી દે તેના કરતાં, તમારી પાસે માત્ર એક જ આંખ હોય અને તમે સદાકાળ ઈશ્વર સાથે રહો તે કેટલું વધારે સારું છે!"
10
"કાળજી રાખો કે આ બાળકોમાંના એકને પણ તમે નિમ્ન નજરથી ન જુઓ. હું તમને ખરેખર કહું છું કે જો તમે બાળકો સાથે દુર્વ્યવહાર કરશો તો તેમનું રક્ષણ કરનારા દૂતો હંમેશાં મારા પિતા પાસે જઈને તેમને તમારી વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.
11
અને માણસનો દીકરો જેઓ ખોવાયેલા છે તેમને બચાવવા માટે આવ્યો છે.
12
તમે શું ધારો છો? જો તમારી પાસે સો ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય, તો તમે ચોક્કસ તે નવ્વાણું ઘેટાંઓને ટેકરી પર રહેવા દઈને જે ખોવાયું છે તેને જઈને શોધશો, શું તમે તેમ નહીં કરો?
13
જ્યારે તમને તે મળે ત્યારે, મને ખાતરી છે કે તમને ઘણો આનંદ થશે. તમે ખુશ થશો કે તે નવ્વાણું ઘેટાં ખોવાઈ ગયા નહીં, પરંતુ તમે વધારે આનંદિત થશો કારણ કે જે ઘેટું ખોવાયું હતું તે તમને મળ્યું છે.
14
જેવી રીતે ઘેટાંપાળક તેનું એકપણ ઘેટું ન ખોવાય તેવું ઇચ્છે છે, તેવી જ રીતે ઈશ્વર, સ્વર્ગમાંના તમારા પિતા, આ બાળકોમાનું એકપણ નરકમાં ન જાય તેવું ઇચ્છે છે."
15
"જો કોઈ સાથી વિશ્વાસી તમારી વિરુદ્ધ પાપ કરે, તો જ્યારે તે એકાંતમાં હોય ત્યારે તેની પાસે જાઓ, અને તમારી વિરુદ્ધ પાપ કરવા બદલ તેને ઠપકો આપો. જો તે વ્યક્તિ તમારું સાંભળે અને દિલગીર થાય કે તેણે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, તો તે અને તમે ફરી એક વાર સારા ભાઈઓ બનશો.
16
જો, તેમ છતાં પણ તે વ્યક્તિ તમારું સાંભળે નહિ, તો જઈને બીજા એક કે બે સાથી વિશ્વાસીઓને બોલાવો. તેમને તમારી સાથે આવવા કહો કે જેથી, નિયમ કહે છે તે પ્રમાણે, 'દરેક આરોપોની ખાતરી કરવા બે કે ત્રણ સાક્ષીઓ ત્યાં હોવા જ જોઈએ.'
17
જેણે તમારા વિરુદ્ધ પાપ કર્યું છે તે જો તેમનું સાંભળે નહિ, તો સમગ્ર સભાજનોને તે બાબત કહો કે જેથી તેઓ તેને સુધારી શકે. અને જો તે વ્યક્તિ સભાનું ન સાંભળે, તો જે રીતે તમે મૂર્તિપૂજકો અને કર ઉઘરાવનારાઓને નિરાશાજનક પાપી તરીકે બાકાત કરો છો તેમ તેને તમારામાંથી બાકાત કરો.
18
આ યાદ રાખો: તમારા સભાજનોમાંના સભ્યને શિક્ષા કરવી કે ન કરવી તે વિષે તમે પૃથ્વી પર જે કંઈ નક્કી કરો છો તે જ સ્વર્ગમાં ઈશ્વર દ્વારા નક્કી કરવામાં આવે છે.
19
આ પણ નોંધો: જો તમે ઓછામાં ઓછા બે જણ કે જેઓ અહીં પૃથ્વી પર રહે છે તેઓ તમે જે કંઈ માગો તે વિષે સહમત થશો, તો મારા પિતા કે જેઓ સ્વર્ગમાં છે, તેઓ તમે જે માગ્યું છે તે આપશે.
20
આ સાચું છે, કારણ કે જ્યાં કંઈ બે કે ત્રણ જણ મારા પર વિશ્વાસ કરવાને કારણે ભેગા મળે છે, ત્યાં હું તેઓની સાથે છું."
21
પછી પિતર ઈસુની પાસે ગયો અને તેમને કહ્યું, "મારે મારી વિરુદ્ધ પાપ કરતા સાથી વિશ્વાસીને કેટલી વાર માફ કરવો જોઈએ? જો તે મને તેને માફ કરવાનું કહ્યા કરે, તો શું મારે તેને સાત વાર માફ કરવો?"
22
ઈસુએ તેને કહ્યું, "હું તને કહું છે કે કેટલી વાર તારે કોઈને માફ કરવાનો હોય છે તે સંખ્યા માત્ર સાત સુધી સીમિત નથી, પરંતુ તારે તેને સિત્તેર ગણી સાત વાર માફ કરવો.
23
સ્વર્ગીય ઈશ્વરનું શાસન એક રાજા અને તેના અધિકારીઓ જેવું છે. તે ઇચ્છતો હતો કે તેના કર્મચારીઓ તેમનું જે કંઈ દેવું હોય તેને ભરપાઈ કરે.
24
તેથી તે કર્મચારીઓ પોતાના ખાતાનો હિસાબ કરવા માટે રાજા પાસે આવ્યા. તેમાંનો એક કર્મચારી જેને રાજા પાસે લાવવામાં આવ્યો તેના દેવાની કિંમત ત્રણ મેટ્રિક ટન સોના કરતાં પણ વધારે હતી.
25
પરંતુ તેની પાસે ચૂકવવા માટે પૂરતા નાણાં ન હોવાને કારણે, રાજાએ માગણી કરી કે તે, તેની પત્ની, તેનાં બાળકો અને તેના કબજામાં હોય તે સર્વ કોઈને વેચીને તેના જે નાણાં પ્રાપ્ત થાય તે બધાં નાણાં રાજાને ચૂકવવામાં આવે.
26
પછી તે કર્મચારી, તેની પાસે તે મોટું દેવું ચૂકવવા નાણાં નથી તે જાણીને, રાજાની સામે તેના ઘૂંટણે પડ્યો અને તેણે તેને વિનવણી કરી, 'મારા પ્રત્યે ધીરજવાન બનો, અને છેવટે હું તમને તેમાંનું સર્વ ચૂકવી દઈશ.'
27
તે કર્મચારી ક્યારેય પણ આટલું મોટું દેવું ચૂકવી શકશે નહિ તે જાણીને રાજાને તેના પર દયા આવી. તેણે તેનું દેવું રદ કરી તેને જતો કર્યો.
28
પછી આ જ કર્મચારી રાજાના બીજા કોઈ કર્મચારી કે જે તેના એક વર્ષના વેતનની રકમ કરતાં થોડી ઓછી રકમનો દેવાદાર હતો તેની પાસે ગયો. તેણે તેનું ગળું પકડીને તેને ભીંસમાં લેતા, તેને કહ્યું, તારે મને જે કંઈ ચૂકવવાનું થાય છે તેની ચૂકવણી કર.
29
તે કર્મચારી તેને પગે પડ્યો અને વિનવણી કરતાં કહ્યું, 'મારા પ્રત્યે ધીરજવાન બન, અને છેવટે હું તને તેમાંનું સર્વ ચૂકવી દઈશ.'
30
પરંતુ તે પ્રથમ કર્મચારી તે નાનું દેવું કે જે તે માણસે તેને ચૂકવવાનું હતું તેને રદ કરવાની ના પાડતો રહ્યો. તેના બદલે, તેણે તે કર્મચારીને જ્યાં સુધી તે બાકીનું દેવું પાછું ન ચૂકવે ત્યાં સુધી જેલમાં પૂર્યો.
31
જ્યારે રાજાના બીજા કર્મચારીઓએ આ જાણ્યું, ત્યારે તેઓ ખૂબ જ દુ:ખિત થયા. તેથી તેઓ રાજા પાસે ગયા અને જે બન્યું હતું તેનો વિગતવાર અહેવાલ આપ્યો.
32
પછી રાજાએ તે અધિકારીને બોલાવ્યો જેણે તેને ત્રણ મેટ્રિક ટન સોના કરતાં પણ વધારે દેવું ચુકવવાનું હતું. તેણે તેને કહ્યું, 'દુષ્ટ ચાકર! મેં તારું ઘણું મોટું દેવું જે તારે મને ચૂકવવાનું હતું તે રદ કર્યું કારણ કે તેં મને તેમ કરવા વિનવણી કરી!
33
જેમ હું તારા પ્રત્યે દયાળુ થયો અને તારું દેવું રદ કર્યું તેમ તારે દયાળુ થવું જોઈતું હતું અને તારા સાથી અધિકારીનું દેવું રદ કરવું જોઈતું હતું!'
34
રાજા ખૂબ જ ગુસ્સે હતો. તેણે આ અધિકારીને કેટલાક જેલરોને સોંપ્યો કે જેઓ જ્યાં સુધી તે જે સર્વ દેવું તેણે ચૂકવવાનું છે તે ન ચૂકવે ત્યાં સુધી તેને ગંભીર ત્રાસ આપે."
35
પછી ઈસુએ બોલવાનું જારી રાખતાં કહ્યું, "જો તમે દયાળુ નહિ બનો અને તમારી વિરુદ્ધ પાપ કરેલ તમારા સાથી વિશ્વાસીને અંત:કરણપૂર્વક માફ નહિ કરો, તો મારા સ્વર્ગમાંના પિતા તમારી સાથે આવું જ કરશે."